સવારના સાડા ત્રણ વાગે, ચીન-પાકિસ્તાનમાં ભૂકંપ ન્યૂગીનીના તટ ઉપર પણ જોરદાર ધરતીકંપ થયો
- વારંવાર થતા ભૂકંપો કોઈ ભયંકર ઘટનાની ચેતવણી છે ?
- ન્યૂ ગીનીના ઉત્તર તટ ઉપર 6.5ની તીવ્રતાના આંચકા લાગ્યા : તિબેટમાં પાંચ અંક અને પાકિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ધરતીકંપ
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાના કેટલાએ દેશોમાં ભૂકંપની ઘટનાઓએ લોકોના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો છે. સૌ કોઈના મનમાં ડર છે કે વારંવાર આવતા ભૂકંપના આંચકાઓ કોઈ ભયંકર ઘટના બનવાની ચેતવણીરૂપ તો નથી ?
આજે (મંગળવારે) સવારે પાકિસ્તાન, ચીન અને ન્યૂ ગીનીમાં ભયંકર ભૂકંપના આંચકા લાગ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ ભૂકંપો અંગે સવિસ્તર માહિતી આપી છે.
મંગળવારે સવારે ન્યૂ ગીનીના ઉત્તરના સમુદ્રતટ ઉપર ૬.૫ની તીવ્રતાનો આંચકો લાગ્યો હતો. ભારતીય સમય પ્રમાણે સવારે ૩ કલાક અને ૧૬ મિનિટે આ ધરતીકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર ભૂમિથી માત્ર ૧૦ કિ.મી. જ અંદર હતું.
આ સાથે ઉક્ત સંસ્થાએ જણાવ્યું હતું કે, સવારે ૩.૩૮ વાગે પાકિસ્તાનમાં પણ ભૂકંપ થયો હતો. તેની તીવ્રતા રીકટર સ્કેલ ઉપર ૪.૨ જેટલી નોંધાઈ હતી. આ સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે ૧૦ કિ.મી. જેટલું જ હતું. આ પૂર્વે પણ પાકિસ્તાનમાં ૪.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ ઉપરાંત ચીને હવે જેને જિજૈંગ તેવું નામ આપ્યું છે. તે મૂળ ત્રિવિષ્ટમ તિબેટ વિસ્તારમાં ૫.૦ ની તીવ્રતાના આંચકા લાગ્યા હતા. આ આંચકા આજે (મંગળવારે) સવારે ૩.૪૫ મીનીટે આવ્યા હતા. જો કે તેનું કેન્દ્ર ધરતી નીચે ૧૪૦ કિ.મી. ઊંડે હોવાનું પણ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું છે.
ઘણા માને છે કે વારંવાર થતા ધરતીકંપો ભયંકર ઘટના બનવાની ચેતવણીરૂપ છે. તે માન્યતા તદ્દન ફગાવી દેવા જેવી તો નથી જ.