UAEના રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના પીએમને કહ્યુ કે, જેલેન્સ્કી પાસે બહુ પૈસા આવ્યા છે, તેમની મદદ માંગો..
image : twitter
તેલ અવીવ,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
હમાસે ઈઝરાયેલ પર કરેલા આતંકી હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા જંગનો અંત દેખાઈ રહ્યો નથી.
ઈઝરાયેલે હમાસ પર દબાણ ઉભુ કરવા પોતાના દેશમાં કામ કરતા પેલેસ્ટાઈનના કામદારોને રવાના કરી દીધી છે. આ મુદ્દે યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ યાહ્યાન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ વચ્ચે ટપાટપી પણ થઈ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂએ યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ યાહ્યાન સમક્ષ માંગ કરી હતી કે, જે કામદારોને ઈઝરાયેલે કાઢી મુકયા છે તેમને યુએઈ દ્વારા આર્થિક મદદ કરવામાં આવે.
જેનો બહુ જ અણધાર્યો જવાબ મહોમ્મદ બિન જાયદ અલ યાહ્યાને આપ્યો હતો. તેમણે વડાપ્રધાન નેતાન્યાહૂને કટાક્ષમાં કહયુ હતુ કે, આ પૈસા તમે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પાસે માંગો. જેલેન્સ્કીને રશિયા સાથે ચાલી રહેલા યુધ્ધના કારણે ઘણી વિદેશી સહાયતા મળી છે અને તેઓ પેલેસ્ટાઈનના કામદારોને પૈસા આપી શકે છે.
યુએઈના એક અધિકારીને આ મીડિયા રિપોર્ટમાં ટાંકીને જણાવાયુ છે કે, યુધ્ધ દરમિયાન ગાઝામાં ભારે તબાહી સર્જાઈ છે અને ઈઝરાયેલ એવુ માને છે કે, ગાઝાના ફરી વિકાસ માટે અરબ દેશો આગળ આવે. જેના કારણે પણ યુએઈના રાષ્ટ્રપતિ ચોંકી ગયા છે.
ઈઝરાયેલે પોતે શરૂ કરેલા યુધ્ધના કારણે સર્જાયેલી તબાહી બાદ ગાઝાને ફરી બેઠુ કરવા માટે આરબ દેશો મદદ કરે તેવી માંગ કરી રહ્યુ છે તે વાત ગળે ઉતરે તેવી નથી.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ બેન્કમાં રહેતા એક લાખ કરતા વધારે પેલેસ્ટાઈન નાગરિકો પાસે ઈઝરાયેલમાં કામ કરવા માટે પરમિટ હતી. જોકે હમાસના હુમલા બાદ ઈઝરાયેલે તેમના દેશમાં પ્રવેશવા પર રોક લગાવી દીધી છે.
બીજી તરફ હમાસ સાથેના યુધ્ધનો હજી અંત દેખાઈ રહ્યો નથી. ઈઝરાયેલના હુમલાઓમાં 23000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.