ત્રણ ટેકટોનિક પ્લેટ્સ અલગ પડતાં આફ્રિકા ખંડના બે ટુકડા થઇ જશે
- ઇથિયોપિયામાં 18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડ પડી
- આ વિસ્તાર આફ્રિકામાં નૂબિયન, સોમાલી અને અરેબિયન ટેકટોનિક પ્લેટ્સની વચ્ચે આવેલો છે
નવી દિલ્હી : પૃથ્વી પર ત્રણ ટેક્ટોનિક પ્લેટ્સ અલગ અલગ દિશામાં જઇ રહી હોવાથી આફ્રિકા ખંડમાં એક નવો ખંડ બની રહ્યો છે. ૧૮ વર્ષમાં જમીનના આ હિસ્સામાં ૫૬ કિલોમીટર લાંબી તિરાડ પડી ચૂકી છે, જેમાં મહાસાગરના પાણી ફરી વળતાં જ નવો ખંડ સર્જાશે.
હાલ દર વર્ષે જમીનમાં સવા ત્રણ કિલોમીટરના હિસાબે તિરાડ વધી રહી છે. જો કે વિજ્ઞાાનીઓના અંદાજ અનુસાર આ તિરાડમાં મહાસાગરના પાણી આવતાં ૫૦ લાખ કે તેથી વધારે વર્ષનો સમય લાગી શકે છે.
જ્યાં આ તિરાડ પડી રહી છે તે વિસ્તાર નૂબિયન, સોમાલી અને અરેબિયન ટેકટોનિક પ્લેટ્સની વચ્ચે આવેલો છે.
જે અફાર પ્રાંત તરીકે ઓળખાય છે. આફ્રિકાથી આ વિસ્તાર કેમ વિખૂટો પડી રહ્યો છે તેના કારણો જાણવા મળ્યા નથી. કેટલાક લોકોના મતે પૂર્વ આફ્રિકાની નીચે નો પોપડો ગરમ પથ્થરોને કારણે ઉપર આવી રહ્યો છે. ટેક્ટોનિક પ્લેટ્સ અલગ પડવાને કારણે ખીણ બની રહી છે જેમાં દરિયાનું પાણી ભરાશે.
ત્રણે ટેક્ટોનિક પ્લેટ્સ અલગ અલગ ગતિએ એકમેકથી અલગ પડી રહી છે.અરેબિયન પ્લેટ બાકીની બંને પ્લેટોથી દર વર્ષે એક ઇંચ દૂર ખસી રહી છે. નૂબિયન અને સોમાલી પ્લેટ્સ એકબીજાથી દર વર્ષે અડધા અને ૦.૨ ઇંચના દરે અલગ થઇ રહી છે.
આફ્રિકા ખંડની જમીન આ તિરાડને કારણે બે અલગ અલગ હિસ્સામાં વહેચાઇ જશે. ઇસ્ટ આફ્રિકન રિફ્ટ ૫૬ કિલોમીટર લાંબી છે. આ તિરાડને કારણે યુગાન્ડા અને ઝાંબિયા જેવા દશોને દરિયાકાંઠો મળશે. જે હાલ નથી.
આફ્રિકામાં આ તિરાડને પગલે એક નવો સાગર બનશે અને તેમાં નવા કાંઠા બનશે. એક નાનો ખંડ આકાર લેશે. જે કેન્યા, ઇથિયોપિયા, સોમાલિયા અને ટાન્ઝાનિયાના હિસ્સાઓમાંથી બનેલો હશે. તિરાડ પહોળી બનશે તેમ તેમાં દરિયાના પાણી ભરાતાં જશે.
આમ, તો આ દરિયા બનવામાં ઘણાં વર્ષોનો સમય લાગે પણ જળવાયુપરિવર્તનને કારણે આ પ્રક્રિયા ઝડપથી પણ બની શકે છે.