યુદ્ધ વચ્ચે ઈઝરાયલ અકળાય તેવું રશિયાનું નિવેદન, કહ્યું - હિઝબુલ્લાહ ખતમ નહીં થાય...
Russia Big Statement on Hezbollah | ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે દક્ષિણ લેબેનોનમાં ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ હજી સુવ્યવસ્થિત છે. તે ખતમ નહીં થાય. તેના સરદારોની શ્રૃંખલા અવિચ્છિન્ન રહી છે.
આ સાથે મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે મધ્ય પૂર્વની પરિસ્થિતિ માટે અમેરિકા અને તેના પશ્ચિમના સાથીઓ જ જવાબદાર છે. તેઓ એક તરફ શાંતિની વાત કરે છે, બીજી તરફ ઈઝરાયલને સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે, અરે ? તેના માણસો ઈઝરાયલની સેનામાં છે. આ બધું તેનું જુઠ્ઠાણું અને તેનો દંભ ખુલ્લા પાડે છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, એક તરફ અમેરિકા અને પશ્ચિમના દેશો ઈઝરાયલને સ્ટીમરો ભરી શસ્ત્રો આપે છે, અઢળક નાણા આપે છે. બીજી તરફ રશિયા, ચાયના અને હવે તો ઉત્તર કોરિયા પણ ઇરાનને ખટારાભરી હથિયારો આપે છે. ઇરાન તેમને કોડી બંધ ડ્રોન વિમાનો આપે છે. કહે છે કે ઇરાનની સેના જ હિઝબુલ્લાહ અને હુથી તેમજ હમાસને પીઠબળ આપે છે. વાત સીધી છે. દુનિયા બે ભાગમાં મધ્ય પૂર્વ યુદ્ધ અંગે વહેંચાઈ ગઈ છે. ઇઝરાયલ પાસે તો પરમાણુ બોંબ છે જ. ઇરાન તે બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ ઇરાને ભૂગર્ભમાં પરમાણુ-બોંબનો પ્રયોગ કરી લીધો છે. જે એ વિસ્તારમાં લાગેલા ધરતીકંપના આંચકા ઉપરથી જાણી શકાયું છે.
તે જે હોય તો વિશ્વ તો આજે વિસુવિયસની તળેટીમાં હોય તેવું લાગે છે. તે ક્યારે ફાટશે તે કહી શકાય તેમ નથી.