ઈલોન મસ્કના વળતા પાણી! લોકો 'X' ના વિકલ્પની શોધમાં, બ્લૂ સ્કાયના યૂઝર્સ 10,00,000 વધ્યાં
- યુએસએમાં એકસનો વિકલ્પ શોધતાં લોકો જેક ડોર્સીના બ્લુ સ્કાય ભણી વળ્યા
- એક્સ હવે તટસ્થ નહીં રહે તેમ માની પત્રકારો તથા ડાબેરી રાજકારણી-સેલિબ્રિટીઓ બ્લુ સ્કાય ભણી વળ્યા
Elon Musk News | ઇલોન મસ્કના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ એકસના હવે વળતાં પાણી જણાઇ રહ્યા છે. યુએસએમાં ચૂંટણી બાદ એક્સનો વિકલ્પ શોધતાં લોકો જેક ડોર્સીના બ્લુ સ્કાય ભણી વળતાં તેના વપરાશકારોની સંખ્યા ૧.૩ કરોડ હતી તે ઓક્ટોબરના અંતમાં વધીને ૧.૫ કરોડ થઇ ગઇ છે. બ્લુ સ્કાય એ અગાઉની ટ્વિટરના ભૂતપૂર્વ સીઇઓ જેક ડોર્સી દ્વારા શરૂ કરવામાં આવેલી સર્વિસ છે. બ્રિટનના અગ્રણી અખબાર ગાર્ડિયને પણ એક્સ પર પોસ્ટ મુકવાની બંધ કરવાની જાહેરાત કરી છે.
ઇલોન મસ્કે ટ્વિટરને ખરીદી લીધાં બાદ તેનું નામ બદલીને એક્સ કર્યું છે જ્યારે સીઇઓ જેક ડોર્સીએ બ્લુ સ્કાય નામની નવી સેવા શરૂ કરી હતી. ફેબુ્રઆરી સુધી માત્ર ઇન્વાઇટ કરવામાં આવેલા લોકોને જ આ સેવા મળતી હતી પણ ફેબુ્રઆરી બાદ તેને તમામ વપરાશકારો માટે ખુલ્લી મુકવામાં આવી છે. એકસ જેવી જ આ સર્વિસમાં ડિસ્કવર ફીડ તથા વપરાશકારો જે એકાઉન્ટને ફોલો કરતાં હોય તેની ક્રમબદ્ધ માહિતિ મળી રહે છે.
અગાઉ પણ બ્લુ સ્કાયને એક્સ છોડનાર વપરાશકારોનો લાભ મળેલો છે. ઓગસ્ટમાં બ્રાઝિલમાં એક્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ એક જ અઠવાડિયામાં બ્લુ સ્કાયના ૨૬ લાખ વપરાશકારો વધી ગયા હતા. જેમાં ૮૫ ટકા બ્રાઝિલિયન્સ હતા. ગયા મહિને પણ એક જ દિવસમાં બ્લુ સ્કાયના પાંચ લાખ વપરાશકારો વધ્યા હતા. બ્લુ સ્કાયના વપરાશકારો વધવા છતાં એક્સનો દાવો છે કે યુએસની ચૂંટણીમાં દુનિયામાં તેનું પ્રભૂત્વ જળવાઇ રહ્યું છે અને એક નવો વિક્રમ સર્જાયો છે. ચૂંટણીના દિવસે જ ૧૫.૫ ટકા નવા વપરાશકારો ઉમેરાયા હોવાનું એક્સે જણાવ્યું હતું. દુનિયાભરમાં એક્સે ૯૪૨ મિલિયન પોસ્ટ રજૂ કરી એક વિક્રમ સર્જયો છે.
બુધવારે બ્રિટનના અગ્રણી અખબાર ગાર્ડિયને એકસ પર પોસ્ટ ન મુકવાની જાહેરાત કરી હતી. જમણેરી કોન્સપિરસી થિયરીઓ અને વર્ણદ્વેષને કારણે અમેે એક્સ છોડી રહ્યા છીએ તેમ અખબારે જણાવ્યું હતું. ટીવી જર્નલિસ્ટ ડોન લેમને પણ એક્સ પર પોતે એક્સ છોડી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. લેમનને લાગે છે કે પ્રમાણિક વાદ વિવાદ અને ચર્ચા માટે આ સ્થળ યોગ્ય રહ્યું નથી. શુક્રવારથી એકસની સાઇટના નવા નિયમો પણ અમલમાં આવી રહ્યા છે. જેના પગલે એક્સ સામેના દાવા હવે વેસ્ટર્ન ડિસ્ટ્રિકટ ઓફ ટેક્સાસને બદલે નોર્ધન ડિસ્ટ્રિકટ ઓફ ટેક્સાસમાં જ નોંધાવવા પડશે. આ કોર્ટમાં એક્સ માટે પોતાનો બચાવ કરવાનું અને ટીકાકારોને સજા કરવાનું સરળ બની રહેશે તેમ લેમને જણાવ્યું હતું.
બીજી તરફ બ્લુ સ્કાયના સીઇઓ જેક ડોર્સીએ તેની લાક્ષણિક શૈલીમાં એક્સના માલિક ઇલોન મસ્ક અને પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પના ઘરોબાને નિશાન બનાવી જણાવ્યું હતુ કે હું તમને ગેરંટી આપું છું કે બ્લુ ટીમનો કોઇ સભ્ય આજે પ્રમુખપદના ઉમેદવાર સાથે બેસી તમે ઓનલાઇન શું જુઓ છો તેનું નિયંત્રણ તેમને સોંંપી દેશે નહીં. ઇલોન મસ્કના ટ્રમ્પ સાથેના સંબંધોને કારણે હવે એક્સ તટસ્થ પ્લેટફોર્મ રહેશે નહીં તેમ ધારી પત્રકારો, ડાબેરી રાજકારણીઓ અને સેલિબ્રિટિઝ હવે બ્લુ સ્કાય ભણી વળી રહ્યા છે.