યુ.એન.રીલીફ એજન્સી પર ઇઝરાયેલે રોક મુકી પરિણામે, ગાઝામાં સહાય કાર્ય સ્થગિત થયું
- ઇઝરાયલ કહે છે : આ UNRWAના સ્ટાફ પૈકી સેંકડોએ ગત વર્ષે હમાસે કરેલા હુમલામાં હમાસને સાથ આપ્યો હતો
નવી દિલ્હી, તેલ અવીવ : યુનાઇટેડ રીલીફ વર્ક એજન્સી (યુ.એન.આર.ડબલ્યુએ.)ને ગાઝામાં કાર્ય નહીં કરવા માટે ઇઝરાયલે આદેશ આપ્યો છે. પરિણામે, ગાઝામાં પહોંચાડાતી માનવીય સહાય સ્થગિત થઇ ગઇ છે.
ઇઝરાયલી સંસદે (લુકીડે) સોમવારે સાંજે એક વિધેયક પસાર કરી યુએનની તે સંસ્થાને ઇઝરાયલની ભૂમિ પર કામ નહીં કરવા જણાવી દીધું હતું. તેથી ગાઝા પટ્ટીમાં રાહત કાર્ય સ્થગિત થઇ ગયું છે. જો કે લીકુડે પસાર કરેલો આ કાનૂન તત્કાળ તો અમલમાં નહીં આવે તેમ છતાં ઇઝરાયલ અને યુ.એન.ના સંબંધો તેથી તંગ બની ગયા છે. ઇઝરાયલના સાથીઓને આથી ચિંતા થઇ છે. તેઓ માને છે કે હવે શાંતિ મંત્રણા તો અટકી જ જશે.
આ કાનૂન યુ.એન.ની રાહત ટુકડીઓને ઇઝરાયલની ભૂમિ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા ઉપર કે કોઈપણ પ્રકારની સેવા આપવા ઉપર પ્રતિબંધ મુકે છે. જ્યારે અમેરિકા ઇઝરાયલને યુ.એન. કે અન્ય સંસ્થાઓ દ્વારા (ગાઝામાં) અપાતી સહાય ચાલુ રાખવા દબાણ કરી રહ્યું છે.
ઇઝરાયલ કહે છે કે યુએનની રીલીફ વર્ક એજન્સીના સ્ટાફમાંથી સેંકડો લોકો હમાસ સાથે જોડાયેલા છે. ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિને થયેલા હુમલામાં પણ તેઓએ હમાસને સાથ આપ્યો હતો તેથી તેની ઉપર અમે મુકેલો પ્રતિબંધ યોગ્ય જ છે. ટૂંકમાં હવે ત્યાં શાંતિ પ્રક્રિયા ખોરંભે પડી ગઈ છે.