પહેલીવાર કૃત્રિમ સૂર્યગ્રહણ સર્જવાની તૈયારી, યુરોપિયન સ્પેસ એજન્સી અને ઈસરોએ હાથ મિલાવ્યાં

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
પહેલીવાર કૃત્રિમ સૂર્યગ્રહણ સર્જવાની તૈયારી, યુરોપિયન સ્પેસ એજન્સી અને ઈસરોએ હાથ મિલાવ્યાં 1 - image


પેરીસ મુંબઇ: 8,એપ્રિલે અનંત અને અફાટ આકાશમાં ખગ્રાસ સૂર્ય ગ્રહણનો અદભુત અને સુંદરતમ પ્રાકૃતિક નજારો સર્જાયો હતો. પૃથ્વી પરનો કોઇ માનવી વિશાળ ગગનમાં  આવું સૂર્યગ્રહણ રચી શકે ? 

હા, ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણ સર્જવા તૈયાર થઇ ગયાં છે. અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણ રચવાનો વૈજ્ઞાનિક પ્રયોગ  સમગ્ર વિશ્વમાં પહેલી જ વખત થઇ રહ્યો છે. 

ખગોળશાસ્ત્રીઓ અને ભૌતિક શાસ્ત્રીઓ નૈસર્ગિક સૂર્યગ્રહણ દ્વારા આદિત્યનારાયણમાં અને તેની બાહ્ય કિનારી(જેને કોરોના કહેવાય છે)માં થતી અકળ અને ભયાનક ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરે છે. હવે જોકે ઇએસએ અને ઇસરો ભેગાં મળીને સૂર્યના હાઇડ્રોજન અને હિલિયમના અતિ વિરાટ ગોળામાં કેવી કેવી અકળ, કલ્પનાતીત, અજીબો ગરીબ પ્રક્રિયા થઇ રહી છે. સૂર્યની વિરાટ થાળીના તાપમાન(૬,૦૦૦ કેલ્વીન) કરતાં તેની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન ૧૦-૨૦ લાખ કેલ્વીન શા માટે હોય છે તેનું રહસ્ય જાણવા-સમજવા પહેલી જ વખત અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણનો અનોખો પ્રયોગ કરશે. 

ઇએસએના પ્રોબા-૩ નામના અવકાશયાનને ઇસરોના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) -એક્સએલ  સી  ૬૨ દ્વારા ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં  અંતરિક્ષમાં  તરતું મૂકવામાં આવે તેવી તૈયારી થઇ રહી છે.ખરેખર તો  પ્રોબો-૩ અવકાશયાન સાથે બે સેટેલાઇટ્સ હશે. પ્રોબા-૩ પૃથ્વીથી ૬૦,૦૦૦ કિલોમીટર દૂરના અંતરે દીર્ઘગોળાકાર  ભ્રમણકક્ષામાં રહીને કામગીરી કરશે.

ઇએસએના ડાયરેક્ટર ઓફ ટેકનોલોજી,એન્જિનિયરિંગ એન્ડ ક્વોલિટી, ડાઇટમર પીલ્ઝ અને તેની ટીમેથોડા દિવસ પહેલાં જ બેલ્જિયમના  કુઇબેકેના  સ્પેસ   ફેસિલિટી  સેન્ટરમાં  પ્રિ-ફ્લાઇટ ટેસ્ટિંગનું પ્રસરમાધ્યમ સમક્ષ  નિદર્શન કર્યું હતું. 

ડાઇટમર પીલ્ઝે પત્રકારોને એવી માહિતી આપી હતી કે પ્રોબો -૩ના પ્રયોગનો મુખ્ય હેતુ સૂર્યની બાહ્ય કિનારી કોરોનાનો એક્સ-રે  તૈયાર કરવાનો છે. એટલે કે કોરોનામાં કેવી કેવી રહસ્યમય ગતિવિધિ થઇ રહી છે તેની સચોટ જાણકારી મેળવવાનો  છે.સાથોસાથ, ભયાનક સૌર પવનો અને સૌર જ્વાળાઓ વિણો પણ ઉપયોગી માહિતી મળશે.સૂર્યમાં દર ૧૧ વર્ષે થતી રહસ્યમય ગતિવિધિને કારણે મહાવિરાટ સૂર્યકલંકો સર્જાય છે. સૂર્યકલંકોમાંથી વિશાળ કદની સૌર જ્વાળા આખા અંતરિક્ષમાં ફેલાય. પૃથ્વીના વાતાવરણમાં પણ પ્રવેશ કરીને જબરી ખાનાખરાબી કરી નાખે.  સૂર્યનાં આ મહાતોફાનને ખગોળ શાસ્ત્રની ભાષામાં  સ્પેસ વેધર કહેવાય છે. 

આમ તો ખગ્રાસ સૂર્યગ્રહણ થાય ત્યારેસૂર્ય,ચંદ્ર,પૃથ્વી એમ ત્રણેય આકાશીપીંંડ એક રેખામાં આવી જાય છે. કદમાં નાના ચંદ્રમાનો પડછાયો સૂર્યનીવિરાટ થાળી પર પડે.જોકે ચંદ્રના કદ કરતાં સૂર્યનો મહાકાય ગોળો ૪૦૦ ગણો મોટો હોવાથી શશી(ચંદ્રનું સંસ્કૃત નામ) આટલા વિરાટ સૂરજને સંપૂર્ણપણે ઢાંકી ન શકે પણ તેનો અમુક હિસ્સો આવરી લે. આ પ્રક્રિયા દરમિયાન સૂર્યની ગોળ  કિનારી સ્પષ્ટપણે  જોઇ શકાય , જેને ખગોળશાસ્ત્રીઓ કોરોના કહે છે.

 અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં પહેલી જ વખત થઇ રહેલા અત્યાધુનિક ટેકનોલોજીના આ વિશિષ્ટ  પ્રયોગમાં ખરેખર તો ઓકલ્ટર અને કોરોનાગ્રાફ નામના બે સેટેલાઇટ્સ હશે.આ  બંને સેટેલાસટ્સ અંતરિક્ષમાં એક સાથે  પ્રવાસ નહીં કરે. બંને વચ્ચે ૧૫૦ મીટર(૩૦૦ ફૂટ)  જેટલું અંતર હશે.સૂર્યની થાળીના આકારનો  ઓકલ્ટર સેટેલાઇટ આગળ હશે અને  કોરોનાગ્રાફ સેટેલાઇટ તેની પાછળ રહેશે.

યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબો -૩ પ્રોજેક્ટ  મેનેજર   ડેમિયન ગેલાનોએ  ટેકનિકલ માહિતી આપતાં કહ્યું હતું કે અમારા પ્રોબા-૩ માં આઉટર કોરોનાગ્રાફ નામનું વૈજ્ઞાાનિક ઉપકરણ હશે.  

આ પ્રયોગ દરમિયાન સૂર્યનાં કિરણો(અથવા પ્રકાશ)ની વક્ર થવાની પ્રકિયા ઓછી થાય તે માટે બંને સેટલાઇટ્સ વચ્ચેનું અંતર વધારવું જરૂરી છે. 

જોકે હાલના કાર્યક્રમ મુજબ ઓકલ્ટર  સેટેલાઇટ  નાનકડા ચંદ્ર તરીકે કામગીરી કરશે. એટલે કે ઓકલ્ટર તેનો પડછાયો પેલા બીજા સેટેલાઇટ કોરોનાગ્રાફના ટેલિસ્કોપ પર પર પાડશે.આ પ્રક્રિયાથી સૂર્યના પ્રકાશમાં અવરોધ સર્જાશે. એમ કહો કે સૂર્યનો ઝળહળતો પ્રકાશ બ્લોક થઇ જશે. પરિણામે  સૂર્યની બાહ્ય કિનારી કોરોનાનો હિસ્સો ઝાંખો લાગશે અને તેની ઇમેજ પર લઇ શકાશે.ઉપરાંત, સૂર્યમાંથી ફેંકાતાં પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ રેઝ)ની અને પૃથ્વીના બંને ધુ્રવ પ્રદેશોમાં જોવા મળતા અરોરા લાઇટ્સના રંગબેરંગી પટ્ટાની ઇમેજ પણ લઇ શકાશે.

આ સમગ્ર પ્રક્રિયા  કે પ્રયોગ એટલે જ અંતરિક્ષમાં સર્જાતું કૃત્રિમ સૂર્યગ્રહણ.મહત્વનો મુદ્દો તો એ પણ છે કે આવું કૃત્રિમ સૂર્યગ્રહણ ઘણા લાંબા સમય સુધી રહી પણ શકશે.

યુરોપિયન સ્પેસ એજન્સીનાં સૂત્રોએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે અમારા આ પ્રયોગથી ખગોળ શાસ્ત્રીઓની ભાવિ પેઢી અંતરિક્ષમાં ફ્લાઇંગ ટેલિસ્કોપ તરતું મૂકીને  તેની મદદથી સૂર્યનાંઅને અફાટ અંતરિક્ષનાં આશ્ચર્યોનોઅને રહસ્યોનો  તાગ મેળવી શકશે એવી અમને આશા છે.  


Google NewsGoogle News