ગલવાન વેલી સહિત ચાર સ્થળોએથી સેના પાછી હઠી રહી છે : ચીન
- ચીન તાઇવાન પર હુમલો કરવાની તૈયારી કરે છે : વિશ્લેષકો
- એક તરફ સીમા પર સંઘર્ષ હોય અને બીજી તરફ કહો કે તે એક તરફ રાખી સંબંધો સુધારીએ તે ન ચાલે : જયશંકર
નવી દિલ્હી : ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતાએ કહ્યું હતું કે ભારત અને ચીને સાથે બેસી દ્વિ-પક્ષીય સંબંધો સુધારવા નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ લડાખમાં ગલવાન-વેલી સહિત સમગ્ર વિસ્તારમાં સીમા પર પરિસ્થિતિ સ્થિર છે, કાબુમાં છે. આ સાથે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા માયો લિંગે કહ્યું હતું કે, રશિયામાં મળેલી એક બેઠકમાં ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે સુગમ પરિસ્થિતિ ઉભી કરવા સહમતી સાધી હતી.
આ સાથે એક પ્રશ્નના ઉત્તરમાં માયો લિંગે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે ચીન અને ભારતે ગલવાન વેલી સહિત પૂર્વ લડાખમાં ચાર વિસ્તારોમાંથી સેના પાછી હઠાવવા સહમતી સાધી હતી.
ચીનનાં પ્રવકતાનાં આ વિધાનો અંગે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે 'એક તરફ સીમા ઉપર સંઘર્ષ ચાલતો હોય તો બીજી તરફ સંબંધો સુધારવાની વાતો કરો તે ચાલે નહીં.'
ટૂંકમાં અત્યારે સેનાઓ પાછી હઠી રહી હોવાની જે વાત છે, તેને સીમા વિવાદ સાથે કોઈ સંબંધ નથી. આ એક માત્ર 'સમયોચિત' પગલું છે, અને ઘૂસણખોરી કરી છે તે સત્ય છે.
વિશ્લેષકોનું મંતવ્ય છે કે, થોડા દિવસોમાં જ તે વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઈ જશે તેથી સૈનિકોને પાછા હઠાવી જ લેવા પડે તેમ છે. તેથી વધુ મહત્વની વાત તે છે કે, 'ચીન માને છે કે અત્યારે અમેરિકાનું વહીવટીતંત્ર ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હશે તેથી તાઇવાનને જોડી દેવાનો સારો એવો લાગ છે, તેથી તે તાઇવાન પર પણ હુમલો કરે તેવી ભીતિ છે માટે પશ્ચિમનો (લડાખનો) ફ્રન્ટ શાંત રાખવા માગે છે.'