યુદ્ધોના કારણે શસ્ત્રો બનાવતી કંપનીઓ માલામાલ! જાણો સૌથી વધુ ઉત્પાદન કરતા ટોપ-3 દેશોના નામ
Arms companies are getting rich due to global wars: છેલ્લા થોડા વર્ષોથી વિશ્વ યુદ્ધોમાં અટવાયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ તો જારી જ છે, એમાં હવે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ યુદ્ધનો તણાવ વધી રહ્યો છે. યુદ્ધને કારણે માણસો ભોગવે છે, સંબંધિત દેશોને કમરતોડ આર્થિક ફટકો પડે છે, મંદીનું મોજું યુદ્ધમાં સામેલ ન હોય એવા દેશોને પણ ઘેરી લે છે, પણ એ બધામાં શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને બખ્ખા થઈ જાય છે. તાજેતરમાં આવેલા આંકડા કહે છે કે યુદ્ધોને કારણે દુનિયાભરની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ માલામાલ થઈ ગઈ છે.
શું કહે છે અહેવાલ?
‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ (SIPRI) દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે યુદ્ધ અને તણાવગ્રસ્ત ક્ષેત્રોને કારણે દુનિયામાં હથિયારોનું વેચાણ ઝડપથી થઈ રહ્યું છે, જેના કારણે એકલા વર્ષ 2023માં જ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ 632 બિલિયન અમેરિકન ડોલરના શસ્ત્રોનું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષોની તુલનામાં આ વધારો 4.2 % જેટલો છે. અહેવાલ માટે SIPRI એ વિશ્વની ટોચની 100 શસ્ત્ર ઉત્પાદક કંપનીઓના ડેટાનો આધાર લીધો છે.
ટોચ પર રહી અમેરિકન કંપનીઓ
અહેવાલ કહે છે કે શસ્ત્રોના ઉત્પાદનમાં અમેરિકા ટોચ પર છે. ટોચની 100 કંપનીઓમાંથી 41 અમેરિકાની છે. લોકહીડ માર્ટિન, રેથિઓન અને નોર્થ્રોપ ગ્રુમેન જેવી અમેરિકન કંપનીઓ મિસાઈલ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ જેવા અદ્યતન હથિયારોના વેચાણમાં ટોચ પર રહી છે. 632 બિલિયન અમેરિકન ડોલરના કુલ વૈશ્વિક વેચાણમાં 317 બિલિયનનું યોગદાન અમેરિકાની 41 કંપનીઓએ આપ્યું છે. એટલે કે શસ્ત્ર ઉત્પાદક કંપનીઓની કુલ વૈશ્વિક આવકમાંથી અડધોઅડધ તો એકલી અમેરિકન કંપનીઓને ફાળે જ ગઈ છે. વર્ષ 2022ની સરખામણીએ તેમાં 2.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. રશિયા વિરુદ્ધ જંગે ચઢેલા યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવામાં અને નાટો દેશોને હથિયાર સપ્લાય કરવામાં અમેરિકન શસ્ત્ર ઉત્પાદકોએ મહત્તમ ફાળો આપ્યો છે.
બીજા નંબર પર રહ્યો આ દેશ
દુનિયાને શસ્ત્રો પૂરા પાડવાના વ્યાપારમાં અમેરિકા પછી બીજા નંબરે ચીન રહ્યું છે. ટોપ-100 શસ્ત્ર ઉત્પાદક કંપનીઓમાં ચીનની 9 કંપનીઓ સામેલ છે. તેમણે કુલ 103 બિલિયન અમેરિકન ડોલરની આવક કરી છે. અલબત્ત, 2022ની સરખામણીમાં ચીની શસ્ત્રોના ઉત્પાદન અને વેચાણની ગતિમાં 0.7 % નો ઘડાડો નોંધાયો છે. તેનું કારણ દેશની ધીમી અર્થવ્યવસ્થા ગણાવાઈ છે.
ભારત આ નંબર પર રહ્યું
શસ્ત્રોના ઉત્પાદન અને વેચાણમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજે સ્થાને રહ્યું છે. 2023માં ભારતે શસ્ત્રોના વેચાણ દ્વારા 6.7 બિલિયન ડોલરની આવક મેળવી છે, જે એના આગલા વર્ષની સરખામણીમાં 5.8 % નો વધારો દર્શાવે છે. SIPRI ના ટોપ 100 લિસ્ટમાં ત્રણ ભારતીય કંપનીઓ ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL), ‘ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ’ (BEL) અને ‘ભારત ડાયનેમિક્સ લિમિટેડ’ (BDL)નો સમાવેશ કરાયો છે. ભારતમાં શસ્ત્રોના ઉત્પાદનમાં આવેલ ઉછાળો ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને આભારી છે.
ધરખમ આવક રળનારા અન્ય દેશો
તાઈવાનની એકમાત્ર કંપની NCSIST ને ટોપ-100માં સ્થાન મળ્યું છે. તેને 3.2 બિલિયન ડોલરની આવક થઈ છે. ચીન સાથે વધતા તણાવને કારણે તાઈવાને આક્રમક શૈલીમાં શસ્ત્ર ઉત્પાદનમાં ઝુકાવ્યું છે.
બ્રિટનની કંપની ‘ન્યુક્લિયર વેપન્સ એસ્ટાબ્લિશમેન્ટ’એ 16 % વધુ આવક હાંસલ કરી છે. તેની આવક 2.2 બિલિયન ડોલરની રહી છે. તુર્કિયેની શસ્ત્રોની આવકમાં વર્ષ 2023માં 25 % નો જોરદાર વધારો થયો છે. એની કુલ આવક 1.9 બિલિયન થઈ છે, જેમાંથી 90 % નિકાસને આભારી છે. તુર્કિયેની Baykar કંપનીના સશસ્ત્ર ડ્રોનની વૈશ્વિક સ્તરે સારીએવી માંગ છે.