અઝરબૈજાનનો સામનો કરવા આર્મેનિયા ભારત પાસેથી એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદશે
image : twitter
નવી દિલ્હી,તા.8 નવેમ્બર 2023,બુધવાર
અઝરબૈજાન અને તેના મદદગાર દેશ તુર્કી તેમજ પાકિસ્તાન સામે ઝઝૂમી રહેલા આર્મેનિયાએ ભારત પાસેથી હવે એ્ન્ટી ડ્રોન સિસ્ટમ પણ ખરીદી છે.
આ પહેલા આર્મેનિયા પિનાકા રોકેટ સિસ્ટમ પણ ભારત પાસેથી મેળવી ચુકયુ છે. આર્મેનિયા પર તાજેતરમાં જ અઝરબૈજાને હુમલો કર્યો હતો અને અત્યારે તો આ બંને દેશો વચ્ચે શાંતિ વાર્તા ચાલી રહી છે પણ આર્મેનિયા અઝરબૈજાન પર ભરોસો કરતા નથી માંગતુ અને તેના કારણે તે હથિયારો ખરીદવા માટે ભારત તરફ નજર દોડાવી રહ્યુ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આર્મેનિયાએ ભારતમાં વિકસિત થયેલી ઝેન એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ પણ 2021માં આ સિસ્ટમ ખરીદી છે. આ સિસ્ટમના 20 નંગ ખરીદવા માટે ભારતીય સેનાએ 227 કરોડ રુપિયા ચૂકવ્યા હતા. ભારતીય વાયુસેનાને માર્ચ 2024થી તેની ડિલિવરી મળવાનુ શરુ થઈ જશે.
જ્યારે આર્મેનિયા આ સિસ્ટમ બનાવતી હૈદ્રાબાદની કંપનીને 340 કરોડનો ઓર્ડર આપ્યો છે. જેમાં આ સિસ્ટમ ઓપરેટ કરવાની ટ્રેનિંગનો પણ સમાવેશ થઈ જાય છે.
ભારતીય વાયુસેનાએ આ સિસ્ટમ પર પસંદગી ઉતારી હોવાથી પણ આર્મેનિયાએ તેને ખરીદવાનુ મન બનાવ્યુ હોવાનુ કહેવાય છે. આ સિસ્ટમ ડ્રોનની ઓળખ કરીને તેના પર નજર રાખી શકે છે. તે ડ્રોનની કોમ્યુનિકેશન સિસ્ટમને જામ કરી દે છે. જેનાથી ડ્રોન કાં તો ભુલુ પડી જાય છે અથવા તો ક્રેશ થઈ જાય છે. તેમાં અલગ અલગ પ્રકારના સેન્સરો પણ છે.
આર્મેનિયાને અઝરબૈજાન સાથેના જંગમાં ડ્રોનના કારણે ઘણુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. તુર્કી દ્વારા ટીબી-2 પ્રકારના ડ્રોન અઝરબૈજાનને અપાયા હતા અને તેણે તેનો ઉપયોગ આર્મેનિયાની ટેન્કો અને તોપો પર કર્યો હતો. આર્મેનિયાની પીછેહઠમાં ડ્રોન એટેક બહુ મોટો રોલ ભજવી ગયો હતો.