અફઘાનિસ્તાન એર સ્ટ્રાઈકનો બદલો લેવા સજ્જ, 15000 તાલિબાની પાકિસ્તાનમાં ઘૂસવાની તૈયારીમાં
Pakistan-Afghanistan War : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલની સ્થિતિ એવી છે કે, બંને દેશો વચ્ચે હવે યુદ્ધના ભણકારા શરુ થઈ ગયા છે. અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાની સત્તાના 15000 લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાને મંગળવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંત પર એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં 15 નાગરિકોના મોત થયા છે. આ ઘટનાની સૌથી મોટી વાત એ છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે, જેના કારણે તાલિબાનીઓ ભડકે બળ્યા છે. આ હુમલા બાદ તાલિબાને બદલો લેવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે, જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોની જીત થઈ શકે છે અને કોણ સૌથી વધુ શક્તિશાળી છે?
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાંથી સૌથી વધુ શક્તિશાળી કોણ
બંને દેશની સેનાની તાકાતની વાત કરીએ તો પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની સેના તમામ મોરચા પર નબળી દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે 6 લાખથી વધુ સૈનિકો છે, એરક્રાફ્ટ મામલે પણ પાકિસ્તાનનું પલડું ભારે છે, તેની પાસે 1400થી વધુ વિમાનો, 3000થી વધુ ટેન્કરો, 50,000થી વધુ આર્મ્ડ વ્હીકલ છે. પાકિસ્તાન નેવીની તાકાત પણ અફઘાનિસ્તાનથી ઘણી શ્રેષ્ઠ છે. પાકિસ્તાન પાસે 387 એરક્રાફ્ટ વિમાનો પણ છે.
અફઘાનિસ્તાનની સેનાની વાત કરીએ તો તેની પાસે અફઘાન આર્મી, એરફૉર્સ અને પોલીસ બળ સહિત ત્રણ લાખથી વધુ સૈનિકો છે. તેની વાયુ સેના પાસે કોઈ વિશેષ તાકાત નથી. અફઘાનિસ્તાન માટે સૌથી મોટો પડકાર તેના સૈનિકો જ છે, કારણ કે તેના સૈનિકો ટ્રેઇન નથી. આ ઉપરાંત તેની પાસે વાયુસેનાની તાકાત પણ ઓછી છે.
રિપોર્ટ મુજબ અમેરિકી સેનાના લગભગ સાત બિલિયન ડૉલરની કિંમતના હથિયારો અફઘાનિસ્તાનમાં પડ્યા છે. આમાં એમ 4 કાર્બાઇન, 82 એમએમ મોર્ટાર લોન્ચર, એમ16 રાઇફલ અને સેનાના હથિયારો ઉપરાંત સૈન્ય વાહનો, નાઇટ વિઝન, બ્લૈક હૉક હેલિકોપ્ટર, એ29 એરક્રાફ્ટ વિમાન, દેખરેખ રાખતાં ઉપકરણો સામેલ છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન પાસે રશિયન હથિયારોનો મોટો જથ્થો છે, જે હવે તાલિબાની લડવૈયાઓના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને રશિયાએ લાંબા સમય સુધી અફઘાનિસ્તાનમાં બેઝ ઊભો કર્યો હતો. જોકે નિષ્ણાતોના મત મુજબ અફઘાનિસ્તાનની સેના પાસે આ અત્યાધુનિક હથિયારો ચલાવવાની આવડત જ નથી, જેના કારણે આ હથિયારો બરબાદ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : પાકિસ્તાને મોડી રાતે કર્યા હવાઈ હુમલા, બરાબરનું અકળાયું અફઘાનિસ્તાન, 15 લોકોનાં મોત
અફઘાનિસ્તાન નબળું છતાં પાકિસ્તાન ચિંતિત
પાકિસ્તાનની સરખામણીમાં અફઘાનિસ્તાન દરેક મોરચે નબળું છે. પરંતુ જો યુદ્ધ થાય તો પાકિસ્તાનને ભારે નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં તાલિબાન લડવૈયાઓ હુમલાઓ કરવામાં માહિર છે, પાકિસ્તાન માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. રિપોર્ટનું કહેવું છે કે, તાલિબાન સેનાને તેમની હથિયારો અને સેનાની તાકાત પર જજ ન કરવી જોઈએ. કારણ કે તેમના લડવૈયાઓની સંખ્યા જરૂરિયાત મુજબ વધતી રહે છે. તાલિબાન પાસે ગુપ્ત યુદ્ધ કરવાની અદ્ભુત કળા છે.
તાલિબાનના 15000 લડવૈયા પાકિસ્તાન તરફ આગળ વધ્યા
રિપોર્ટ મુજબ પાકિસ્તાને એરસ્ટ્રાઇક કર્યા બાદ અફઘાનિસ્તાન ગુસ્સે ભરાયું છે અને બદલો લેવાની તમામ તૈયારીઓ તેણે શરુ કરી દીધી છે. લગભગ તાલિબાનના 15,000 લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ લડવૈયાઓ કાબુલ, કંધાર અને હેરાત પાર કરીને ખૈબર પખ્તૂનખ્વાના મીર અલી બૉર્ડર તરફ જઈ રહ્યા છે. તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરીને મોટી ભૂલ કરી છે. અમે તેને જડબાતોડ જવાબ આપીશું.