જર્મનીમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને 3000 વર્ષ પ્રાચીન તલવાર મળી આવી
Image Source: Twitter
બર્લિન, તા. 17 જૂન 2023 શનિવાર
જર્મનીના પુરાતત્વવિદોને દક્ષિણી શહેર નોર્ડલિંગનમાં એક કબરમાં 3 હજાર વર્ષ પ્રાચીન, ખૂબ સારી રીતે સંરક્ષિત કાંસ્ય યુગની તલવાર મળી આવી છે. રિપોર્ટ અનુસાર આ જાણકારી આપવામાં આવી છે. બાવરિયાના રાજ્ય સ્મારક સંરક્ષણ કાર્યાલયે પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યુ કે 14 મી સદી ઈ.સ પૂર્વે અષ્ટકોણીય ઝુકાવ વાળી તલવારની સ્થિતિ એટલી સારી છે કે તે હજુ પણ ચમકે છે.
કબરમાંથી ચમકતી તલવાર મળી આવી
કબરમાં એક પુરુષ, મહિલા અને છોકરાના હાડકા અને કાંસ્ય વસ્તુઓ છે. આ પ્રકારની તલવારનું નિર્માણ જટિલ છે, કેમ કે બ્લેડ પર હિલ્ટ નાખવામાં આવેલુ છે અને માનવામાં આવે છે કે આ એક વાસ્તવિક હથિયાર છે, માત્ર સજાવટ નથી. બ્લેડના સામેના ભાગમાં ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર દર્શાવે છેકે આ મુખ્યરીતે સ્લેશિંગ માટે સંતુલિત છે. આ ઐતિહાસિક શોધ બાદ માનવામાં આવી રહ્યુ છેકે હજારો વર્ષ પહેલા કોઈ શક્તિશાળી રાજાની આ તલવાર હોઈ શકે છે. જોકે હજુ આ વિશે કંઈ કહી શકાય નહીં.
દુર્લભ શોધ
તલવાર અને કબરની હજુ પણ તપાસ બાકી છે જેથી પુરાતત્વવિદ આ ખોદકામને વધુ સચોટરીતે વર્ગીકૃત કરી શકે. તેમણે કહ્યુ, સંરક્ષણની સ્થિતિ અસાધારણ છે. આ પ્રકારની શોધ ખૂબ દુર્લભ છે.
મિડલ ઈસ્ટ અને યુરોપમાં પુરાતત્વવિદોને મળી રહી છે સફળતા
ઉલ્લેખનીય છે કે યુરોપ સિવાય મિડલ ઈસ્ટમાં પણ પુરાતત્વવિદોને સતત ખોદકામ દરમિયાન ઐતિહાસિક વસ્તુઓ મળી રહી છે. થોડા સમય પહેલા તુર્કીમાં એક 3 હજાર વર્ષ પ્રાચીન મહેલને શોધવામાં આવ્યો હતો. પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન એક તળાવમાં 3000 વર્ષ પ્રાચીન મહેલના અવશેષો મળ્યા હતા.