ગાઝામાં યુદ્ધ વિરામ માટે મધ્યસ્થીઓ સાથે જોડાવા એન્ટની બ્લિન્કેન કતારમાં દોહા પહોંચ્યા
હમાસ અને ઈઝરાયલ કહે છે 'હજી ઘણા મુદ્દાઓ બાકી છે' ત્યારે ઈજીપ્ત અને કતારના મધ્યસ્થીઓ સાથે બ્લિન્કેન પણ જોડાશે
પેરૂશલેમ: ગાઝામાં યુદ્ધ વિરામ માટે ચર્ચા કરવા એકત્રીત થયેલા ઈજીપ્ત અને કતારના મધ્યસ્થીઓ સાથે જોડાવા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન કતારના પાટનગર દોહા પહોંચ્યા છે.
જોકે હમાસે આ અંગે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પહેલાં જે મુદ્દાઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તેથી તો આ તદ્દન ઉલટી જ વાત આવે છે. આ સાથે તેણે અમેરિકા ઉપર આક્ષેપ મુકતા કહ્યું હતું કે તે ઈઝરાયલે રજૂ કરેલી નવ શરતો યથાવત્ સ્વીકારે છે.
જોકે અમેરિકા તરફથી તે વિષે કોઈ તત્કાળ ઉત્તર આપવામાં આવ્યો નથી, તે અલગ વાત છે.
દરમિયાન ઈઝરાયલી વડા પ્રધાન નેતાન્યાહૂએ ગાઝામાં હજી પણ બંદીમાં રખાયેલા અપહૃતોનાં સગાં-વ્હાલાંને કહ્યું હતું કે 'દેશમાં તેમજ વિદેશમાંથી પણ અસામાન્ય દબાણ (યુદ્ધ બંધ કરવા) થઈ રહ્યું હોવા છતાં અમે અમારી સલામતિ જાળવવા સતત પ્રયત્નો કરી રહ્યાં છીએ, અને બંદીદૂતોને મુક્ત કરાવવા પ્રયત્નશીલ છીએ.'
મુશ્કેલી ત્યાં ઉભી થઈ છે કે, ગાઝા-ઈજીપ્ત-સરહદે આવેલા કાંકડા 'બફર ઝોન' જેને ઈઝરાયેલ 'ફીલાડેલ્ફી કોરિડોર' કહે છે, ત્યાં ઈઝરાયલી સૈન્યની ઉપસ્થિતિ સ્વીકારવા હમાસ કે ઈજીપ્ત બેમાંથી એકને પણ સ્વીકાર્ય નથી.
બીજી તરફ ઓક્ટો. ૨૩ની ૭મી તારીખથી શરૂ થયેલાં આ યુદ્ધમાં શાંતિ સ્થાપી અપહૃતોને પાછા લાવવા અપહૃતોનાં સગાં વહાલાં નેતન્યાહૂ ઉપર દબાણ કરી રહ્યાં છે. બીજી તરફ અમેરિકા સહિત પશ્ચિમના દેશો પણ યુદ્ધ વિરામ માટે ઈઝરાયલ પર દબાણ કરી રહ્યાં છે. આથી યુ.એસે યુદ્ધ વિરામની કેટલીક દરખાસ્તો રજૂ કરી છે જે ઈઝરાયલે તો સ્વીકારી છે, પરંતુ હમાસે હજી સુધી સ્વીકારી નથી.