દુનિયામાં અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ, હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન
Image : Twitter |
Barcelona’s Protests Against Overtourism: તાજેતરમાં સ્પેનના બાર્સેલોના શહેરમાં એક ઘટના બની, જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું. ઘટના કંઈક એવી હતી કે બાર્સેલોનાના રહેવાસીઓએ એક વિરોધ રેલી કાઢી અને એ દરમિયાન બાર્સેલોના ફરવા આવેલા પ્રવાસીઓ પર પાણી છાંટ્યું. ના, પ્રેમપૂર્વક કે સ્વાગત કરવા નહીં. પ્રવાસીઓને બાર્સેલોના બહાર તગેડી મૂકવા માટે નગરવાસીઓએ જલાભિષેક કર્યો હતો. જો કે આ ખાલી સ્પેનની વાત નથી, દુનિયાના અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ થઈ રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો લદાખ અને બીજા અનેક પહાડી રાજ્યોમાં વધુ પડતા પ્રવાસનનો વિરોધ થઈ જ રહ્યો છે. આપણો નાનકડો પાડોશી દેશ ભુતાન તો ઈચ્છતો જ નથી કે અહીં વધુ પડતા પ્રવાસીઓ આવે અને પર્યાવરણની ઘોર ખોદે. તો આજે વાત કરીશું સ્પેનની.
શું છે વિરોધનું કારણ?
સ્પેનના બાર્સેલોના શહેરના લોકો પ્રવાસીઓના ટોળાથી કંટાળી ગયા છે. અહીં જે બે શહેરોમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે એ છેઃ રાજધાની મેડ્રિડ અને બાર્સેલોના. 2011માં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ઝિંદગી મિલેગી ના દોબારા’માં દેખાડેલું સ્પેન જોઈને ભારતીયોમાં સ્પેન ફરવા જવાનો ક્રેઝ જાગેલો. કંઈક એ જ પ્રકારે 2008 આવેલી ફિલ્મ ‘વિકી ક્રિસ્ટિના બાર્સેલોના’ દુનિયાભરમાં હિટ સાબિત થતાં પ્રવાસશોખીનોના ધાડેધાડા બાર્સેલોનાની મુલાકાતે જવા માંડ્યા હતા. જોકે, આ બંને ફિલ્મો આવી એ અગાઉ પણ સ્પેન ટુરિસ્ટો માટે હોટ ડેસ્ટિનેશન હતું જ. આટલા વર્ષો સુધી પ્રવાસીઓના ટોળાં ખમી લીધાં, પણ હવે સ્પેનવાસીઓની સહનશક્તિની જાણે કે હદ આવી ગઈ છે, અને ‘ઓવર ટુરિઝમ’ને વખોડતા તેઓ રસ્તા પર વિરોધપ્રદર્શન કરવા લાગ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં એમણે બાર્સેલોનામાં પ્રવાસીઓ પર રમકડાંની બંદૂકથી પાણી છાંટીને ‘ટુરિસ્ટ્સ ગો હોમ’(પ્રવાસીઓ તમારા ઘરે પાછા જાવ)ના નારા લગાવ્યા હતા. વિરોધ કેટલો પ્રબળ હતો એ એના પરથી ખબર પડે છે કે વિરોધ-રેલીમાં સો-બસો-પાંચસો નહીં 2,800થી વધુ લોકો જોડાયા હતા.
શું છે ઓવર ટુરિઝમ?
પ્રવાસીઓની સંખ્યા યજમાન શહેર/ગામ/સ્થળની ક્ષમતા કરતાં વધી જાય અને એને લીધે ગેરવ્યવસ્થા સર્જાય, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાય, સ્થાનિકોનું જીવન પ્રભાવિત થાય ત્યારે એને જે-તે સ્થળે સર્જાયેલું ઓવર ટુરિઝમ કહેવાય.
પ્રવાસીઓથી કેમ કંટાળ્યા સ્પેનિયાર્ડો?
પ્રવાસીઓ કોઈપણ સ્થળે ફરવા જાય તો ગંદકી ફેલાવે, ઘોંઘાટ કરે, દારૂ પીને ધમાલ મચાવે અને ટ્રાફિકની સમસ્યા વકરાવે એવા દૂષણો તો આપણા દેશના ટુરિસ્ટ પ્લેસ પર પણ વ્યાપક છે. પણ એની સામે સ્થાનિકો વિરોધ નથી કરતાં, એવું બધું ચલાવી લે છે, કેમ કે પ્રવાસીઓના લીધે જે-તે સ્થળની ઈકોનોમીમાં ઉછાળો આવતો હોય છે. પ્રવાસીઓને લીધે હોટલ ઉદ્યોગ, ખાણીપીણીની દુકાનો, ટેક્સી-ઓટો ચલાવનારાઓ, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ બનાવીને વેચનારાઓ જેવા ઘણાબધા ધંધાર્થીઓને નાણાકીય ફાયદા થતા હોય છે. દિવાળી અને મે વેકેશનમાં આપણા દેશમાં ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભારી ભીડ જોઈને આપણે સૌ અકળાતા હોઈએ છીએ, પણ આપણા દેશમાં આછાપાતળા કચવાટ સિવાય કોઈ કંઈ કરતું નથી. પણ આ મુદ્દે સ્પેનની પ્રજાની ધીરજ હવે ખૂટી ગઈ છે, જેના એકથી વધુ કારણો કંઈક આવા છે…
• પ્રદર્શનકર્તાઓની દલીલ એવી છે કે, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે જ્યાં જુઓ ત્યાં હોટલો ખુલી ગઈ છે, જેને કારણે મિલકતોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક લોકોએ જમીન ખરીદીને ઘર બનાવવું હોય કે બહુમાળી મકાનમાં ફ્લેટ ખરીદવો કે ભાડે લેવો હોય તો એમને અતિશય મોંઘું પડે છે. છેલ્લા એક વર્ષમાં જ મકાનના ભાડામાં 18 ટકાનો વધારો થયો છે. એટલે સરેરાશ નગરવાસી માટે તો બાર્સેલોનામાં ઘર લેવું એ પહોંચની બહારની વસ્તુ બની ગઈ છે.
• એ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આભ આંબી ગયા છે જેને લીધે નગરવાસીઓનો જીવન-ખર્ચ વધી ગયો છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે ઘણીવાર બેઝિક વસ્તુઓની અછત પણ સર્જાતી હોય છે, જેને લીધે જનજીવન પ્રભાવિત થતું હોય છે.
• જે લોકો ટુરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો તો પ્રવાસીઓને કારણે ધૂમ કમાય છે, પણ જે લોકો ટુરિઝમ સિવાયના ધંધા-નોકરી કરે છે, એમની આવક મર્યાદિત છે અને એ કારણસર બાર્સેલોનામાં આર્થિક અસમાનતા વધી ગઈ છે. અમીર-ગરીબ વચ્ચે સર્જાતી ખાઈ સરવાળે સામાજિક અસમાનતામાં પરિણમે છે.
• પ્રવાસીઓને કારણે રોજેરોજ પેદા થતા મબલખ કચરાને ઠેકાણે પાડવામાં બાર્સેલોનાના આસપાસના પર્યાવરણની ખો નીકળે છે, એ મુદ્દો પણ સ્થાનિકોના વિરોધના એજેન્ડામાં સામેલ છે.
• વિરોધ કરી રહેલા લોકોએ શહેરના પ્રસાશન સામે ભારપૂર્વક એ મુદ્દો મૂક્યો હતો કે, ‘બાર્સેલોના ફક્ત પ્રવાસીઓ માટેનું શહેર નથી, સ્થાનિકો પણ અહીં રહે છે. એમના સ્વાસ્થ્ય અને સુખાકારીનો પણ વિચાર કરો.’
બીજા સ્થળોએ પણ ફરકાવાયા વિરોધના વાવટા
વધુ પડતા પ્રવાસીઓના ધસારાને કારણે બેવડ વળી ગયેલા સ્પેનિશ સ્થળોમાં ફક્ત બાર્સેલોના જ નથી. બાર્સેલોનામાં થયેલા પ્રવાસીના વિરોધના પડઘા સ્પેનના અન્ય ખૂણાઓમાં પણ પડ્યા છે. પ્રવાસીઓ જ્યાં ભારી ભીડ જમાવે છે એવા બેલેરિક ટાપુસમૂહના ઇબિઝા અને પાલ્મા ખાતે રેલીઓ નીકળી હતી, જેમાં 15,000 લોકો જોડાયા હતા. કેનેરી ટાપુઓમાં પણ એવો જ વિરોધવંટોળ ફૂંકાયો. પ્રવાસીને હાંકી કાઢવાનો આ વાવર ધીમેધીમે આખા સ્પેનમાં (અને એનું જોઈને બીજા યુરોપિયન દેશોમાં) ફેલાય એવું બની શકે.
આ પણ વાંચો : દુનિયાના સૌથી ઊંચા શિખર પર 'મારા-મારી', સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાખડી પડ્યાં
કોઈ ઉપાય છે ઓવર ટુરિઝમને અટકાવવાના?
બાર્સેલોનાવાસીઓનું દબાણ વધતાં શહેરના મેયરે તાત્કાલિક જાહેરાત કરવી પડી છે કે તેઓ શહેરમાં પ્રવાસીઓને ભાડે અપાતાં એપાર્ટમેન્ટની સંખ્યામાં ઘટાડો કરશે, જેથી ખાલી પડેલા એપાર્ટમેન્ટ થકી સ્થાનિકોની આવાસની સમસ્યા ઓછી થાય. ઓવર ટુરિઝમને અટકાવવા માટે અજમાવવા જેવા અન્ય ઉપાયો છે…
• ડીમાર્કેટિંગ- ડીમાર્કેટિંગ એટલે પ્રવાસીઓને લોકપ્રિય સ્થળોએ જવાને બદલે આસપાસના બીજા સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા. ઘણા પ્રવાસીઓ સોશિયલ મીડિયા થકી નવાનવા પ્રવાસન સ્થળોની માહિતી મેળવીને ત્યાં ફરવા ઉપડી જતા હોય છે. જે-તે દેશનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ લોકોની આ માનસિકતાનો ફાયદો ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકપ્રિય હોય એવા ‘ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર’ દ્વારા દેશના ઓછા જાણીતા સ્થળોનું પ્રમોશન કરી શકાય. આ કામ પ્રવાસશોખીન લેખકો પાસે પણ કરાવી શકાય.
• પ્રવાસીઓનો ધસારો ખૂબ રહેતો હોય એવા સ્થળે એન્ટ્રી ફીમાં વધારો કરીને પણ પ્રવાસીઓને અન્યત્ર વાળી શકાય.
• અમુક સ્થળોએ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકીને પણ પ્રવાસીઓનો ધસારો ખાળી શકાય. સ્થાનિક પર્યાવરણને નુકશાનકર્તા વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવી શકાય. જેમ કે, નેધરલેન્ડના એમ્સ્ટરડેમ શહેરમાં પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે શહેરની નહેરોમાં ક્રુઝ જહાજોને પ્રવેશબંધી ફરમાવાઈ છે.
• અમુક દેશ હવે ‘ક્વોલિટી ટુરિઝમ’ તરફ વળી રહ્યા છે. આ પ્રવાસનનો એવો પ્રકાર છે જેમાં પ્રવાસીઓને ‘ઓછું ફરો, સારું ફરો’નો મંત્ર શીખવવામાં આવે છે. એમાં દોડીભાગીને ઘણાંબધાં સ્થળોની મુલાકાત લેવાને બદલે ઓછા સ્થળોએ ફરવાનું, પણ જ્યાં જાવ ત્યાંના પર્યાવરણને જાળવવાનું, સ્થાનિકોના જીવન પર નકારાત્મક અસર ન થાય એનું ધ્યાન રાખવાનું અને શક્ય હોય તો લોકોને મદદરૂપ થવાનું ધ્યાનમાં રાખવાનું હોય છે. પ્રવાસનના આ પ્રકારમાં ટોળાબંધ ફરવાને બદલે નાના-નાના ગ્રુપમાં ફરવા પર ભાર મૂકવામાં આવે છે.
• જે-તે સ્થળે નિશ્ચિત માત્રા કરતાં વધારે પ્રવાસીઓને પ્રવેશ આપવો નહીં. પ્રવાસીઓને એક સ્થળે લાંબા સમય માટે રોકાણ ન કરવા દેવું. પર્યાવરણ માટે સંવેદનશીલ હોય એવા સ્થળોએ રાત્રિરોકાણ પર પ્રતિબંધ ફરમાવી શકાય.
• પ્રવાસીઓને જવાબદારીપૂર્વક વર્તવા બાબતે જાણકારી આપી શકાય. એમને ટ્રાફિક નિયમોના પાલન બાબતે તથા પ્રદૂષણ ન ફેલાવવા બાબતે જાગૃત કરી શકાય.
• જે-તે સ્થળે ટુરિઝમના ધંધામાં રોકાણ કરવા ઈચ્છુક બહારના લોકો પાસે કડક નિયમોનું પાલન કરાવી શકાય.
• ટુરિઝમ આધારિત નોકરી-ધંધામાં સ્થાનિકોને પ્રાધાન્ય આપી શકાય.