અમેરિકાથી ગેરકાયદે ભારતીયો સાથે બીજું વિમાન આવતીકાલે ભારતમાં લેન્ડ થવાની શક્યતા
US Deportation: અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવેલાં ભારતીયોનું બીજુ વિમાન અમેરિકાથી 15 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતના 33 સહિત 104 ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને લઈને અમેરિકાનું એક સૈન્ય વિમાન 5 ફેબ્રુઆરીએ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. ટ્રમ્પ સરકાર દ્વારા દેશનિકાલ કરવામાં આવેલા ભારતીય અપ્રવાસીનો આ પહેલો જથ્થો હતો.
8 ગુજરાતીઓ સહિત 119 લોકો આવશે પરત
અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલાં ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને લઈને 15 અને 16 તારીખે ફ્લાઈટ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. જેમાં 15 ફેબ્રુઆરીએ 119 લોકોનો દેશ નિકાલ કરવામાં આવશે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. દેશનિકાલ કરવામાં આવેલાં 119માંથી 67 લોકો પંજાબના, 33 લોકો હરિયાણા અને 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં વિમાન લેન્ડ કરાવવાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો હતો. પંજાબના નાણાંમંત્રી હરપાલ ચીમાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર જાણી જોઈને પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે, દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને આવેલું વિમાન અમૃતસરમાં ઉતરે જેથી પંજાબની છબી ખરડાય. આ વિમાન અમદાવાદમાં કેમ ન ઉતારાયું?
વિદેશ સચિવે કરી પુષ્ટિ
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પહેલાં જ પુષ્ટિ કરી હતી કે, અમેરિકાએ 487 સંભવિત ભારતીય નાગરિકોના દેશનિકાલનો આદેશ આપી દીધો છે. આ લોકોએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. દેશનિકાલ કરાયેલા લોકોનો આરોપ છે કે, યાત્રા દરમિયાન તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમને હાથ કડી પહેરાવીને પગમાં પણ સાંકળો બાંધી દેવામાં આવી હતી. સમગ્ર મુસાફરી દરમિયાન તેઓ આ રીતે જ વિમાનમાં આવી પહોંચ્યા હતા. ડિપોર્ટ કરાયેલા લોકોના આરોપ બાદ વિદેશ સચિવે આ અમાનવીય વ્યવહારને ચિંતાનો વિષય ગણાવી આશ્વાસન આપ્યું કે, ભારત સરકાર આ મુદ્દાને અમેરિકન અધિકારીઓ સામે ઉઠાવશે.
ભારતની પ્રતિક્રિયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, અમેરિકામાંથી ભારતીયોનો દેશનિકાલ કરવો એ કોઈ નવી પ્રક્રિયા નથી. 2009થી અત્યાર સુધી 15,668 ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. ભલે આ પ્રક્રિયા જૂની હોય પરંતુ, સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, અમારા નાગરિકો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવે.
આ પણ વાંચોઃ 'ED સામાન્ય લોકો સાથે આતંકવાદી કરતાં ખરાબ વ્યવહાર કરે છે...', સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
વડાપ્રધાન મોદીએ પણ ગેરકાયદે ભારતીયોનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ પણ અમેરિકામાં ગેરકાયદે ભારતીયો વિશે કહ્યું હતું કે, જે લોકો બીજા દેશોમાં ગેરકાયદે રહે છે તેમને ત્યાં રહેવાનો અધિકાર નથી. ભારત અને અમેરિકા વિશેનો જે સવાલ છે તેને લઈને કહું કહેવા માગું છું કે હું અમારા દેશના લોકોને સ્વીકારવા તૈયાર છું પણ આ વાત અહીં અટકતી નથી. આવા લોકો સામાન્ય પરિવારના હોય છે જેમને ગેરમાર્ગે દોરીને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. એટલા માટે આવી હ્યુમન ટ્રાફિકિંગની સિસ્ટમ પર અમેરિકા અને ભારતે સાથે મળીને કાર્યવાહી કરવી પડશે.