ઈઝરાયેલના વધુ એક જહાજને ટાર્ગેટ બનાવાયુ, ઈરાને બનાવેલા ડ્રોન વડે હુમલા બાદ જહાજ પર આગ
Image Source: Twitter
તેલ અવીવ, તા. 26 નવેમ્બર 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભલે યુધ્ધ વિરામ થયો હોય પણ બંને પક્ષો વચ્ચેનુ ટેન્શન યથાવત છે.
ઈઝરાયેલના એક અબજોપતિના કાર્ગો જહાજ પર શુક્રવારની સવારે ઈરાની ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાના સંરક્ષણ વિભાગના એક અધિકારીના દાવા પ્રમાણે ગાઝા પટ્ટીમાં યુધ્ધ વિરામના કેટલાક કલાકો પહેલા આ હુમલો કરાયો હતો. લેબેનોનની એક ન્યૂઝ ચેનલ દ્વારા આ અંગેનો અહેવાલ જાહેર કરાયો હતો અને તેમાં કહેવાયુ હતુ કે, હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને જહાજને નુકસાન પણ થયુ છે. જોકે એક પણ ક્રુ મેમ્બરની જાનહાનિ થઈ નથી.
અમેરિકાના અધિકારીના કહેવા અનુસાર માલ્ટાના ધ્વજ હેઠલના જહાજને તાજેરમાં જ માયેટ ...નામ આપવામાં આવ્યુ છે. એક ડ્રોન દ્વારા તેને ટક્કર મારવામાં આવી હતી અને આ ડ્રોન ઈરાનનુ શહીદ 136 નામનુ ડ્રોન હતુ. જેમાં એક વોરહેડ ફિટ કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ સાથે અથડાતાની સાથે જ ડ્રોનમાં વિસ્ફોટ થાય છે.આ પ્રકારના ડ્રોન ઈરાન દ્વારા રશિયાને પણ પૂરા પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈઝરાયેલના એક જહાજને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા હાઈજેક કરવામાં આવ્યુ હતુ અને એ પછી એક જ સપ્તાહમાં ઈઝરાયેલના જહાજને ટાર્ગેટ કરવાની આ બીજી ઘટના છે.