અમેરિકાના ક્લિવલેન્ડમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીના મોતથી ખળભળાટ, ચાલુ વર્ષે 10મી ઘટનાથી ચિંતા વધી
Image : Envato |
Another Indian Student Dies In US | અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ કે ભારતીય મૂળના લોકોનો મોતનો સિલસિલો થંભી રહ્યો નથી. આ દરમિયાન અમેરિકાથી વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઓહિયો શહેરમાં આ ઘટના બની હતી. આ મામલે ન્યુયોર્કમાં સંચાલિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મૃત્યુનો આ સતત 10મો કિસ્સો છે.
ભારતીય વિદ્યાર્થીની ઓળખ જાહેર કરાઈ
ભારતીય વાણિજ્ય દૂતાવાસના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીનું નામ ઉમા સત્ય સાઈ ગડ્ડે છે. તે ઓહાયોના ક્લિવલેન્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે અમે પીડિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. આ મામલે તેમને તમામ સપોર્ટ કરવામાં આવશે અને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પહોંચાડવામાં તમામ મદદ કરવામાં આવશે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે કરી ટ્વિટ
આ મામલે ટ્વિટ કરતાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કરતાં પીડિત ઉમા સત્ય સાઇના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને અમે સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના સતત સંપર્કમાં છીએ.