બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો! મૂર્તિઓ ખંડિત, ISKCON સેન્ટર પણ બળીને રાખ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાતું નથી. આ હિસા વચ્ચે ઢાકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) નમહટ્ટા સેન્ટરમાં આગ લગાવ્યાની ઘટના સામે આવી છે. જેના ઈસ્કોન નમહટ્ટા સેન્ટરમાં રાખેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગયું હતું. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા ઘણાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે વધી રહેલી હિંસા ચિંતાનું કારણ
મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. હિન્દુઓ સામે હિંસાની વધી રહેલી ઘટનાઓનો ભારતમાં વિરોધ વધી રહ્યો છે. ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વણસી ગયું છે. હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલામાં વધારો થયો છે. જેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તહેનાત કરવાની વિનંતી કરી હતી.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને હોબાળો
સમિલિત સનાતની જોત સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની 25મી નવેમ્બરે ઢાકામાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાઈ હતી. આ ધરપકડ 31મી ઓક્ટોબરના રોજ સ્થાનિક નેતાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય લોકો પર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ બાંગ્લાદેશમાં ફરીથી સ્થિતિ અસામાન્ય જોવા મળી.