મોઈજ્જૂનો વધુ એક ભારત વિરોધી નિર્ણય, ભારતીય હેલિકોપ્ટરોનુ સંચાલન માલદીવની સેનાને સોંપી દીધું
image : Socialmedia
માલે,તા.8 માર્ચ 2024,શુક્રવાર
માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ વધુ એક ભારત વિરોધી નિર્ણય લીધો છે.મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનુ નિયંત્રણ માલદીવની સેનાને આપી દીધુ છે.
મળતી જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે.બીજી તરફ માલદીવ રાષ્ટ્રીય સુરક્ષા દળના ટોચના અધિકારી અહેમદ મોહ્મ્મદે મીડિયાને કહ્યુ હતુ કે, માલદીવથી ભારતીય સૈનિકોને ભારત પાછા મોકલવા માટેની ચર્ચા ચાલી રહી છે.
માલદીવના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે મોઈજ્જૂની સરકાર 10 મે બાદ કોઈ પણ વિદેશી સૈનિકોની માલદીવમાં તૈનાતી નહીં કરવા દેવા માટે મક્કમ છે.
ભારતીય સૈનિકોને માલદીવમાંથી પાછા બોલાવવા અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતાએ 29 ફેબ્રૂઆરીએ કહ્યુ હતુ કે, હેલિકોપ્ટરોના સંચાલન માટે ભારતની ટેકનિકલ ટીમ માલદીવ પહોંચી ચુકી છે.આ ટીમ અત્યારે હેલિકોપ્ટરનુ સંચાલન કરી રહેલા કર્મચારીઓની જગ્યા લેશે.
જોકે મોઈજ્જૂ સરકાર ભારતે મોકલેલી બીજી ટીમને પણ માલદીવમાં રહેવા દેશે કે કેમ તે વાત પર શંકા છે. ઈન્ડિયા આઉટ કેમ્પેન...ચલાવીને સત્તા પર આવેલા મોઈજ્જૂ ચીનની સાથે ગાઢ સબંધો બનાવી ચુકયા છે અને ચીનના ઈશારે તેઓ ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યા હોવાનુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.