ગાઝા અંગે ઇરાનની મીટિંગ ચાલતી હતી ત્યારે ઇઝરાયેલે બોમ્બ વરસાવતાં ઇરાનના જનરલનું મૃત્યુ
- નેતન્યાહૂ વૈરોધ બન્યા છે : કોઈનું સાંભળતા પણ નથી
- દમાસ્કમાં ઇરાનના દૂતાવાસમાં મીટિંગ ચાલતી હતી ત્યારે જ ઇઝરાયેલે બોમ્બ વર્ષા કરતાં જન.મોહમ્મદ રેડા જાહીદી માર્યા ગયા હતા
ઇઝરાયેલ - હમાસ યુદ્ધે સમગ્ર પશ્ચિમ એશિયાને ઝપટમાં લઈ લીધું છે. સોમવારે ઇઝરાયેલે સીરીયાના પાટનગર દમાસ્કમાં ઇરાનના દૂતાવાસ ઉપર હવાઇ હુમલો કરી દીધો તેમાં ૭ના મૃત્યુ થયાં, તેમાં ૬૫ વર્ષના એક ટોચના કમાન્ડર પણ માર્યા ગયા. ૬૫ વર્ષના જનરલ મોહમ્મદ રેડા જાહીદી કુડઝ ફોર્સ સંભાળતા હતા અને સીરીયા તથા લેબેનોનમાં કવર ઓપરેશન્સ પર દેખરેખ રાખતા હતા.
તે સર્વવિદિત છે કે ઇરાનનાં સૈન્યનું નામ રીવોલ્યુશનરી ગાર્ડઝ છે. પરંતુ તેની વિદેશી વિંગ કુડસ ફોર્સ તરીકે જાણીતી છે. ઈઝરાયેલના આ હુમલાથી એક વર્ષમાં સૌથી વધુ નુકસાન થયું છે.
આ પૂર્વે પણ ઈઝરાયેલના હુમલાને લીધે ઇરાનના વિજ્ઞાાની અને સૈન્યના નેતાઓની હત્યા થઇ હતી. જોકે, આ હત્યાઓ અંગે ઈઝરાયેલી સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ નામ જાહેર નહીં કરવાની શરતે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે હુમલો ઈઝરાયેલે જ કર્યો હતો.
આ હુમલાની પુષ્ટિ કરતાં ઇરાનના વિદેશ મંત્રી હુસૈન, આમીર અબ્દુલ્લાહીયાને કહ્યું હતું કે મેં સીરીયાના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યહૂદીઓ બીજા દેશોમાં કઈ રીતે હુમલાઓ કરે છે તે વિષે પણ ચર્ચા કરી હતી.
આમીર અબ્દુલ્લા હીયાને વધુમાં કહ્યું હતું કે, ઈઝરાયેલને ગાઝામાં પરાજય મળી રહ્યો છે તેથી નેતન્યાહૂ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે.
નિરીક્ષકો કહે છે કે નેતન્યાહૂ હવે વૈરોધ બન્યા છે. કોઈનું સાંભળતા નથી. સમજવા તૈયાર પણ નથી.
આ હુમલાથી ઇરાન ખરેખરૃં ભડકયું છે. નિરીક્ષકોને ભીતિ છે કે હવે યુદ્ધ વધુ ફેલાઈ કદાચ મધ્યપૂર્વમાં આગ લગાડી દેશે.