પશ્ચિમના દેશોએ પડતા મૂકેલા ઉદ્યોગો હાથમાં લેવા ભારતીય ઉદ્યોગપતિઓને આપેલું આમંત્રણ
- સસ્તા તેલ પછી રશિયાની ભારતને નવી ઓફર
- રશિયા ઈચ્છે છે કે ભારતીય કોર્પોરેટ કંપનીઓ સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ફોરમનો લાભ લઈ રશિયામાં ઉદ્યોગો શરૂ કરે
મોસ્કો : ભારતને સસ્તું તેલ વેચ્યા પછી રશિયાએ ભારતને એક નવી ઓફર કરી છે. અમેરિકાના નેતૃત્વ નીચે પશ્ચિમના દેશો, યુક્રેન યુદ્ધ પછી ઉદ્યોગો પડતા મુકી ચાલ્યા ગયા. તે ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ માટે આ બહુ મહત્વની તક છે.
અંગ્રેજી અખબાર ''ધી હિન્દુ-બિઝનેસ-લાઈન''ના એક રીપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે ભારતીય કંપનીઓ ''સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ''નો લાભ લઈ આ સોદા કરે અને પોતાને ઝડપભેર વિકસી રહેલી યુરોપીય અર્થવ્યવસ્થામાં સ્થાપિત કરે. આ ફોરમ ભલે ૫ થી ૮ જૂન ૨૦૨૪ માં મળવાનું હોય પરંતુ તે પહેલા પૂર્વભૂમિકા તરીકે ભારતીય ઉદ્યોગપતિઓ અહીં આવી ભાવિ વ્યવસ્થા વિષે ચર્ચા વિચારણા તો કરી જ શકે.
તે સર્વવિદિત છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લગાડી દીધા છે. ''રૉસ-કોંગ્રેસ-ફાઉન્ડેશન''ના ઉપ-નિર્દેશક અને એસ.પી.આઈ.ઈ.એફ.ના નિર્દેશક એલેક્સી વાલ્કોવનું કહેવું છે કે એવા કેટલાયે ઉદ્યોગો અને વ્યાપારી સંકુલો છે કે જેને યુરોપીય અને અમેરિકી કંપનીઓએ પોતાની સરકારોના દબાણને લીધે પડતા મુક્યા છે. આવા વ્યાપારી સંકુલો કે ઉદ્યોગો હાથમાં લેવા ચીની કંપનીઓ પણ તેને ''ટેઈક-ઓવર'' કરવા તૈયાર છે.
એલેક્સી વાલ્કોવે વધુમાં કહ્યું હતું કે ઓટોમોબાઈલ્સ, વાહન વ્યવહાર, કાપડ અને નાના ઉદ્યોગો જેવા કેટલાયે ક્ષેત્રો છે કે જેમાં ભારતીય રોકાણકારો અને કંપનીઓને રસ હોવા સંભવ છે. વ્યાવસાયિક હિતો વિષે વાત કરવી તો યોગ્ય નહીં લાગે પરંતુ પારંપરિક ક્ષેત્રોમાં ભારત સાથેનો અમારો વ્યાપાર વધી રહ્યો છે.