અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મહિના સુધી ગોંધી રાખીને ઢોર માર માર્યો
- આરોપીઓ વિદ્યાર્થીને ત્રણ ઘરમાં કામ કરાવતા, બેઝમેન્ટમાં કેદ રાખતા
- એક વર્ષ પહેલાં અમેરિકા ગયેલા 20 વર્ષના ભારતીય વિદ્યાર્થી સાથે જાનવરોથી બદતર વર્તન કરનારા ત્રણની ધરપકડ
વૉશિંગ્ટન : અમેરિકામાં ભારતીય મૂળના ૨૦ વર્ષના એક વિદ્યાર્થીને ત્રણ આરોપીઓએ છેલ્લાં સાત મહિનાથી ગોંધી રાખ્યો હતો અને તેની સાથે અમાનવીય વર્તન કરતા હતા. લાકડી, વીજવાયર, વૉશિંગ મશીનના પાઈપથી આ વિદ્યાર્થીને સતત સાતેક મહિના સુધી ઢોરમાર માર્યો હતો. ત્રણ ઘરનું કામ પણ તેની પાસેથી કરાવતા હતા. ત્રણ આરોપીઓને પોલીસે આ મામલે પકડી લીધા છે અને પૂછપરછ હાથ ધરી છે.
એક વર્ષ પહેલાં અમેરિકાની મિસોરી યુનિવર્સિટીમાં સ્ટડી માટે ગયેલા એક ૨૦ વર્ષના વિદ્યાર્થીને ત્રણ આરોપીઓએ છેલ્લાં સાત મહિનાથી બેઝમેન્ટમાં ગોંધી રાખ્યો હતો. એ વિદ્યાર્થી પાસે ત્રણ ઘરનું કામ કરાવતા હતા અને લાકડી, વીજવાયર, રોડ, વૉશિંગ મશીનના પાઈપથી એને ફટકારતા હતા. પોલીસે સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીમાં હાઈ-વે પર આવેલા એક ઘરમાં બાતમીના આધારે રેડ પાડી હતી અને વિદ્યાર્થીને છોડાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીના જ કઝીન સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પીડિત વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું ન હતું. આરોપીઓની ઓળખ વેંકટેશ સતારુ, શ્રવણ વર્મા અને નિખિલ વર્મા તરીકે થઈ છે. પોલીસે ત્રણેય પર માનવ તસ્કરી, અપહરણ, હુમલા સહિતના આરોપોની કલમ લગાવીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મુખ્ય શંકા પોલીસને વિદ્યાર્થીને કઝિન વેંકટેશ પર છે. વેંકટેશે એને ઘરમાં રાખ્યો હતો અને તે ઘરકામ ઉપરાંત આઈટી કંપનીનું કામ પણ ઘરેથી કલાકો સુધી કરાવતો હતો.
૨૦ વર્ષના સ્ટૂડન્ટને આવો ઢોરમાર મારવા પાછળનું કારણ પોલીસને જાણવા મળ્યું ન હતું. આરોપીઓની પૂછપરછ બાદ એની જાણકારી મળશે. વિદ્યાર્થીએ ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે એને વોશરૂમ પણ જવા દેવાતો ન હતો અને ખૂબ જ પરેશાન કરવામાં આવતો હતો. શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.