અમેરિકન મહિલા બે વર્ષ પછી કોફી સૂંઘીને આનંદથી રડી પડી

Updated: Apr 10th, 2023


Google NewsGoogle News
અમેરિકન મહિલા બે વર્ષ પછી કોફી સૂંઘીને આનંદથી રડી પડી 1 - image


- લોંગ કોવિડમાં ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવી હતી

- સોશિયલ મીડિયા પર કોફી સૂંઘીને આનંદ પામતી મહિલાનો વીડિયો વાયરલ, લાખો લોકો મહિલાની ખુશીમાં સામેલ થયા

નવી દિલ્હી : કોવિડ રોગચાળાએ લોકો પર લાંબા ગાળાની અસરો કરી છે, જેમાં એક અમેરિકન મહિલાનો સમાવેશ થાય છે જેણે તેની ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવી દીધી હતી. ગંધ અને સ્વાદની ક્ષમતા પાછી મળ્યા પછીની તેની પ્રતિક્રિયા દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય માટે આવી લાગણી કેટલી મહત્વપૂર્ણ છે.

જેનિફરે કોવિડને કારણે બે વર્ષથી તેની ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવી દીધી હતી, પરંતુ સ્ટેલેટ ગેન્ગ્લિઅન બ્લોક નામનું પેઇન ઇન્જેક્શન મેળવ્યા પછી તેને આ ક્ષમતા પાછી મળી હતી અને તેણે આટલા વર્ષે પહેલી જ વાર કોફીનો સ્વાદ અને સુગંધ માણ્યા હતા.

વીડિયોની શરૃઆતમાં જેનિફર હોસ્પિટલના પલંગ પર સુતેલી દેખાય છે. એક મહિલા તેને કહે છે કે અમે જાણવા માગીએ છીએ કે ઈન્જેક્શનની કેટલી અસર થઈ છે. વીડિયોમાં પછી જેનિફર હાથમાં કોફીનો કપ ઉપાડે છે અને કોફી સૂંઘે છે. બે વર્ષથી ગંધની ક્ષમતા ગુમાવી ચુકેલી જેનિફર હર્ષથી રડી પડે છે. તે ધૂ્રજતા અવાજે અને આંખોમાં આંસૂ સાથે ચીસ પાડી ઉઠે છે, હું હવે સૂંઘી શકું છું.

૫૪ વર્ષની જેનિફર હેન્ડરસન અમેરિકાના ઓહિયો રાજ્યની નાગરિક છે. જાન્યુઆરી ૨૦૨૧માં તે કોવિડથી સંક્રમિત થઈ હતી અને ત્યારથી તે પેરોસ્મિયા અને ડીસ્ગુસ્યાથી પીડાય છે જેમાં ગંધ અને સ્વાદની લાગણી જતી રહે છે.

છેલ્લા પાંચ દિવસથી વાયરલ થયેલા આ વીડિયોને લાખો વ્યુ મળ્યા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. લાખો લોકોએ કમેન્ટ કરીને પોતાની આપવીતી જણાવી હતી તેમજ જેનિફરની ખૂશીમાં સાથ પુરાવ્યો હતો.

એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું છે કે આવી લાગણી જતી રહે ત્યારે વ્યક્તિને જે એકલતા અને મૂંઝવણનો અનુભવ થાય છે તે અન્ય લોકો સમજી નથી શકતા.એક અન્ય મહિલાએ લખ્યું કે સ્વાદ અને ગંધની લાગણી ગુમાવ્યા પછી મારાથી કેવી રસોઈ બનતી તેની મને જ ખબર નહોતી પડતી. 

એક મહિલાએ લખ્યું કે મેં માત્ર બે અઠવાડિયા માટે આવી લાગણી ગુમાવી ત્યારે મારી માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. જેનિફર પર શું વીત્યું હશે તેની હું કલ્પના કરી શકું છું.


Google NewsGoogle News