ભારતીય વિદ્યાર્થિનીના મોત પર હસનારો અમેરિકન પોલીસકર્મી દંડાયો, નોકરીથી બરતરફ કરાયો
Image: Facebook
Indian Student Death Case: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીના મોત બાદ અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવા અને હસવા બદલ એક પોલીસ અધિકારીને બરતરફ કરી દેવાયો છે. વોશિંગ્ટનની નોર્થર્ઈસ્ટર્ન યુનિવર્સિટીની વિદ્યાર્થિની જ્હાનવી કંડુલા (23) જ્યારે 23 જાન્યુઆરીએ રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પોલીસના એક વાહને તેને ટક્કર મારી દીધી હતી. આ વાહનને કેવિન ડેવ નામના અધિકારી ચલાવી રહ્યાં હતાં.
ત્યારે તે એક અન્ય કેસની તપાસ માટે ઝડપથી વાહન ચલાવતાં જઈ રહ્યો હતો. વાહનની ટક્કર બાદ કંડુલા 100 ફૂટ દૂર જઈને પડી હતી. સિએટલ પોલીસ વિભાગ દ્વારા જારી બોડીકેમ ફુટેજમાં અધિકારી ડેનિયલ ઓડરર ભીષણ દુર્ઘટના પર હસતા અને એ કહેતાં સંભળાયો કે ઓહ મને લાગે છે કે તે બોનટ પર આવીને પડી. આગળના અરીસાથી ટકરાઈ અને પછી જ્યારે તેણે (પોલીસ વાહનના ડ્રાઈવરે) બ્રેક મારી તો કારથી દૂર જઈને પડી... તે મરી ચૂકી છે.
શિસ્તબદ્ધ કાર્યવાહી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અસંવેદનશીલ ટિપ્પણીઓ કર્યા બાદ ઓડરર ચાર સેકન્ડ સુધી જોર-જોરથી હસ્યો. સિએટલ પોલીસ વિભાગની કાર્યવાહક પ્રમુખ સ્યૂ રાહે એક ઈ-મેલમાં કહ્યું કે ઓડરરની ટિપ્પણીઓથી કંડુલાના પરિવારને જે પીડા પહોંચી તેને દૂર કરી શકાય તેમ નથી.
પોલીસ અધિકારીના કૃત્યે સિએટલ પોલીસ વિભાગ અને અમારા સમગ્ર વ્યવસાયને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. જેનાથી દરેક પોલીસ અધિકારીનું કાર્ય વધુ અઘરું થઈ ગયુ છે. રાહે કહ્યું કે સંસ્થાના પ્રમુખ તરીકે તેમનું કર્તવ્ય છે કે જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે ઉચ્ચ પ્રમાણોને અકબંધ રાખવામાં આવશે. તેમણે કહ્યું, આ અધિકારીને અમારા દળમાં રાખવા સમગ્ર વિભાગનું અપમાન ગણાશે. આ કારણથી હું તેમને બરતરફ કરી રહી છુ.