Get The App

કેનેડામાં ખાલિસ્તાન વિરોધી હિંસામાં અમિત શાહની સંડોવણીનો આરોપ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
કેનેડામાં ખાલિસ્તાન વિરોધી હિંસામાં અમિત શાહની સંડોવણીનો આરોપ 1 - image


- કેનેડિયન પ્રધાન ડેવિડ મોરિસનના નિવેદનથી હોબાળો

- વિપક્ષના નેતા પિયરે પોલીવરે દિવાળી ઉજવણીમાં ભાગ લેવાનું રદ કરતાં હિંદુ કેનેડિયનો નારાજ થયા

- કેનેડાના ટોચના અધિકારીઓએ વિદેશી અખબારને માહિતી લીક કરતા સંસદીય પેનલે ઉધડો લીધો

- ટ્રુડોની જ સલાહકારે પ્રધાનની વાતને નકારી વોશિંગ્ટન પોસ્ટને કોઈ ગુપ્ત દસ્તાવેજો આપ્યા ન હોવાનું જણાવ્યું

નવી દિલ્હી : કેનેડાના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરિસને સંસદીય પેનલને જણાવ્યું હતું કે શીખ અલગતાવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતીય ગૃહપ્રધાન અમિત શાહનો હાથ છે. તેમના આ આરોપોના પગલે સનસનાટી મચી ગઈ છે. અહેવાલ અનુસાર સૌથી પહેલા વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓનો આરોપ છે કે શીખ અલગતાવાદીઓ સામેની  હિંસામાં અમિત શાહનો હાથ છે. 

મોરિસને જણાવ્યું હતું કે તેના પર વોશિંગ્ટન ટાઇમ્સના પત્રકારનો ફોન આવ્યો હતો અને તેણે પૂછ્યું હતું કે શાહ જ તે વ્યક્તિ છે જે આ બનાવમાં સંડોવાયેલો છે અને તેનો જવાબ મેં હામાં આપ્યો હતો. જો કે મોરિસને તે જણાવ્યું ન હતું કે શાહ કેવી રીતે આ પ્રકારના બનાવમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું.

આશ્ચર્યની વાત તો એ છે કે નાયબ વિદેશ પ્રધાનના દાવાથી વિપરીત જ વાત કહેતા ટ્રેડેયુની નેશનલ સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ એડવાઇઝર નથાલી ડ્રોઇને જણાવ્યું હતું કે અમે વોશિંગ્ટન પોસ્ટના પત્રકારને આવી કોઈ માહિતી પૂરી પાડી ન હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટને કોઈપણ પ્રકારની ક્લાસીફાઇડ કે ગુપ્ત માહિતી પૂરી પાડવામાં આવી હતી. 

ઇન્ટેલિજન્સ એડવાઇઝરે જણાવ્યું હતું કે આ લીક તેમની કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો હિસ્સો હતો અને તેમણે તથા મોરિસને તે સુનિશ્ચિત કર્યુ હતું કે અમેરિકન મીડિયાને ભારત સાથેના રાજદ્વારી વિવાદનું કેનેડિયન વર્ઝન મળે. તેમા લોકોને મળેલી ધમકીઓનો સમાવેશ થાય છે. અમે ફક્ત ભારત સરકાર સાથે સહયોગ સાધીને લીધેલા પગલાને લઈને નોન-ક્લાસીફાઈડ માહિતી જ પૂરી પાડી છે. સંસદીય પેનલે આ રીતે માહિતી લીક કરવા બદલ બંનેની આકરી ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે કેનેડાની પ્રજાને જે માહિતી જાણવાનો પહેલો અધિકાર છે તે વોશિંગ્ટન પોસ્ટ પાસે પહેલા કેવી રીતે પહોંચી.

ટ્રેડેયુની સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ કબૂલાત કરી છે કે તેઓએ ભારત વિરોધી ઇન્ટેલિજન્સ અને સંવેદનશીલ માહિતી કેનેડાને જાણવા મળે તે પહેલા વોશિંગ્ટન પોસ્ટને જણાવી દીધી હતી કેનેડિયન પોલીસે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી અંગે જાહેરમાં જણાવ્યું તે પહલા તેઓએ આ પગલું લીધું હતું. 

વડાપ્રધાન જસ્ટિન ટ્રેડેયુએ વર્ષ અગાઉ જણાવ્યું હતું કે કેનેડિયન શીખ એક્ટિવિસ્ટ હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયામાં હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. કેનેડિયન સત્તાવાળાઓએ વારંવાર જણાવ્યું હતું કે તેઓએ ભારતીય સત્તાવાળાઓ સાથે તેના પુરાવા શેર કર્યા છે. ભારત સરકારના અધિકારીઓ વારંવાર કહેતા રહ્યા છે કે કેનેડાએ તેમને કોઈ પુરાવો આપ્યો નથી અને તેઓએ આરોપોને મૂર્ખામીભર્યા ગણાવ્યા હતા. ઓટ્ટાવામાં ભારતીય રાજદૂતાવાસે પણ અમિત શાહ સામેના આરોપોને લઈને જવાબ આપ્યો નથી.

ભારત સાથેના રાજકીય વિવાદના પગલે કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોલીવરે દિવાળીમાં ભાગ લેવાનું રદ કરતાં હિંદુ-કેનેડિયનોએ તેમની ઝાટકણી કાઢી છે. હિંદુ કેનેડિયનોએ જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણીમાં ભાગ ન લેવાનું લેવાયેલું પગલું બતાવે છે કે બહુસાંસ્કૃતિક હોવાનો ગર્વ કરતો સમાજ હજી પણ અમને બહારના જ ગણે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં સાડા આઠ લાખ હિંદુઓ વસે છે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના તાર ભારત સરકાર સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેણે કોઈ પુરાવો આપ્યો ન હતો. તેણે થોડા દિવસ પહેલા જ સ્વીકાર્યુ હતું કે આરોપ લગાવતા સમયે તેની પાસે ફક્ત જાસૂસી જાણકારી હતી, પુરાવા ન હતા. 

આ કેસમાં સંજય વર્માન પર્સન ઓફ ધ ઇન્ટરેસ્ટ બનાવવામાં આવતા ભારતે કેનેડા સામે પગલાં લઈ છ રાજદૂતોને બહારનો રસ્તો દેખાડી દીધો છે. તેની સાથે કેનેડામાં તેના છ રાજદૂતોને પરત બોલાવી લીધા છે.


Google NewsGoogle News