સરબજીતની હત્યા કરનાર અમીર તાંબા હજી જીવતો છે, પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
સરબજીતની હત્યા કરનાર અમીર તાંબા હજી જીવતો છે, પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો 1 - image

image : Twitter

Amir Sarfaraz Tamba Lahore Gun Attack : ભારતના નાગરિક સરબજીતની પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હત્યા કરનાર અમીર સરફરાઝ તાંબાનુ અજાણ્યા હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં મોત થયુ હોવાના અહેવાલો બે દિવસ પહેલા વહેતા થયા હતા. 

હવે લાહોરના પોલીસ અધિકારી સૈયદ અલી રાજાએ પાકિસ્તાનના એક અખબારને જણાવ્યુ છે કે, 'અમીર તાંબા હજી જીવતો છે. જોકે તે ગંભીર રીતે ઘાયલ છે. '

paks અચરજ પમાડે તેવી વાત એ પણ છે કે, અમીર તાંબાની સારવાર ક્યાં ચાલી રહી છે તેનો ફોડ આ પોલીસ અધિકારીએ પાડ્યો નથી. સૈયદ અલી રાજાના નિવેદન પર લાહોર પોલીસના પ્રવકતા ફરહાન શાહે સમગ્ર મામલાને સંવેદનશીલ ગણાવીને કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. 

તાંબા પર જૂના લાહોર શહેરના ભરચક વસતીવાળા સનંત નગર વિસ્તારમાં ફાયરિંગ થયુ હતુ. રવિવારે બે અજાણ્યા બંદૂકધારીઓએ તાંબા પર તેના જ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી હતી. લોહીથી લથપથ હાલતમાં પડેલા તાંબાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ હતી. 

પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીએ એ પછી તરત જ કોઈ પણ જાતના પૂરાવા વગર જ તાંબાની હત્યામાં ભારતનો હાથ હોવાની શક્યતા છે તેમ જણાવ્યુ હતુ. હવે લાહોર પોલીસ અધિકારીએ તાંબા જીવતો છે તેમ કહેતા સમગ્ર મામલામાં નવો વળાંક આવી શકે છે. 

તાંબાએ 2013માં કોટ લખપત જેલમાં 49 વર્ષીય સરબજીત સિંહ પર હુમલો કર્યો હતો અને તેમાં સરબજીતનુ મોત થયુ હતુ. પાકિસ્તાની કોર્ટે અમીર તાંબાને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી દીધો હતો. ભારતીય નાગરિક સરબજીતને જાસૂસીના ખોટા આરોપસર પાકિસ્તાને જેલમાં ધકેલી દીધો હતો અને જેલમાં જ તાંબાએ તેની હત્યા કરી હતી. 


Google NewsGoogle News