ઈઝરાયલે કરી મોટી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો, નેતન્યાહુ-મેક્રોન વચ્ચે બોલાચાલી
Israel-Lebanon war: ઈઝરાયલ દ્વારા લેબનોન પર એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ત્યારે હવે ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો
અહેવાલો અનુસાર, ઈઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી.
નેતન્યાહુ અને મેક્રોન વચ્ચે વિવાદ શું છે?
થોડા દિવસો પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, 'તમામ સંસ્કારી દેશો ઈઝરાયલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ. કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની દળો સામે લડે છે.' પરંતુ તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની હાકલને શરમજનક ગણાવી હતી.
આ પણ વાંચો: ઈઝરાયલે ગાઝાની મસ્જિદ પર કરી એર સ્ટ્રાઈક, 18નાં મોત, યુદ્ધને એક વર્ષ પૂરું થતાં લોકો એકઠાં થયા હતા
ફ્રાન્સે આ પ્રતિબંધો લગાવ્યા
શનિવાર (ચોથી ઓક્ટોબર)ના રોજ એક વીડિયો સંદેશ જાહેર કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'આતંકની ધરી એક સાથે ઊભી છે, પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકવાદી ધરીનો વિરોધ કરે છે તેઓ ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.' નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોનની ઓફિસે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, 'ફ્રાન્સ ઈઝરાયલનો મિત્ર છે અને ઈઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઊભું રહેશે.'