ઈઝરાયેલ-હમાસ જંગનો સ્થાયી ઉકેલ લાવવા આરબ દેશોએ હવે ભારત તરફ નજર દોડાવી
image : Twitter
તેલ અવીવ,તા.22 નવેમ્બર 2023,બુધવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગના 46મા દિવસે આખરે બંને પક્ષો વચ્ચે ચાર દિવસના યુધ્ધ વિરામ પર સંમતિ સધાઈ છે પણ આ યુધ્ધનુ સ્થાયી સમાધાન હજી થયુ નથી.
આ માટે ઈસ્લામિક તેમજ આરબ દેશોના નેતાઓને ભારત પર મોટી આશા છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આરબ લીગના વિદેશ મંત્રીઓ આગામી સપ્તાહે ભારત આવે તેવી આશા છે. આરબ જગતના વિદેશ મંત્રીઓ આ પહેલા ચીન ગયા હતા અને હવે ત્યાંથી પાછા ફરી રહ્યા છે અને બહુ જલ્દી તેઓ દિલ્હી આવશે.
આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થશે. આરબ જગતને આશા છે કે, દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ગાઝાના મુદ્દાનો કોઈ ઉકેલ મળશે. આ બેઠકમાં સાઉદી અરબ, જોર્ડન, ઈજિપ્ત તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રીઓ હાજરી આપી અને સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.
ભારતના સબંધો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બંને પક્ષો સાથે સારા હોવાથી આરબ દેશોને આશા છે કે, ભારતના પીએમ બંને પક્ષો સાથે વાતચીત કરીને કોઈને કોઈ સ્થાયી સમાધાન સૂચવી શકે છે.