પુતિનનું કંઇક મોટું કરવાના ઈરાદા, મુસ્લિમ દેશો સાથે બેઠક, ઈરાનના પ્રમુખ પણ હાજર રહ્યા
Israel Iran Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે તુર્કમેનિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે ત્યારે આ બંને નેતાઓ બેઠક કરી રહ્યા છે. માત્ર એક સપ્તાહ પહેલા જ રશિયાના વડાપ્રધાન ઈરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને ઉપરાષ્ટ્રપતિ રેઝા આરેફને પણ મળ્યા હતા.
બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનું શું મહત્વ?
સોવિયત યુનિયનના સમયમાં ઈરાન અને રશિયા એકબીજાના કટ્ટર આલોચક હતા, પરંતુ વર્તમાન બદલાયેલા સંજોગોમાં બંને દેશોના સંબંધ સુધાર્યા છે. બંને દેશો પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોએ બંને દેશોને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમેરિકન પ્રતિબંધોને કારણે ઈરાનને એક શક્તિશાળી દેશની જરૂર છે જે તેમને શસ્ત્રો પૂરા પાડી શકે. યુક્રેન યુદ્ધના કારણે અલગ પડેલા રશિયાને ઈરાનના રૂપમાં મજબૂત સાથી મળ્યો છે.
ઈરાન આપે છે સીરિયાને સમર્થન
રશિયા વર્તમાન સીરિયાની સરકારને સત્તામાં રહેવા માટે મદદ કરી રહ્યું છે. સાથે જ ઈરાન સરકાર પણ સીરિયન સરકારને સમર્થન આપે છે. ઈઝરાયલ દ્વારા સીરિયા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમી દેશો પણ વર્તમાન સીરિયાની સરકારને સત્તા પરથી હટાવવા માંગે છે. આવી સ્થિતિમાં સીરિયા મુદ્દે ઈરાન અને રશિયા સરખો મંતવ્ય ધરાવે છે. બંને દેશો વચ્ચેની નિકટતાનું આ પણ એક કારણ છે.
અમેરિકાનું ઇઝરાયલને સમર્થન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. અમેરિકાએ પણ ઈઝરાયલને સમર્થન જાહેર કર્યું છે.
આ પણ વાંચો: 'ઈઝરાયલને મદદ કરી તો....' ઈરાનની ધમકીથી ગલ્ફ દેશો ભયભીત, અમેરિકા પર કર્યું દબાણ
ઈરાન રશિયા સાથે સંબધ મજબૂત કરી રહ્યું છે
આવી સ્થિતિમાં ઈરાન પણ રશિયા સાથે પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે જેથી યુદ્ધની સ્થિતિમાં હથિયારોની સપ્લાયમાં કોઈ સમસ્યા ન આવે. આજે ઈરાન રશિયા પાસેથી શસ્ત્રોનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ઈરાને રશિયાને મોટા પાયે ડ્રોન સપ્લાય કર્યા છે. બંને દેશો વચ્ચે હથિયારોના મોટા સોદા થયા છે.
હાલની પશ્ચિમ એશિયાની તણાવપૂર્ણ પરિસ્થિતિ જોતા રશિયન રાષ્ટપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન વચ્ચેની બેઠક પર ઘણી ચર્ચા થઈ રહી છે.