કેનેડામાં ઘરની ભારે અછત, ભારત સહિતના દેશના વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી, હવે સરકાર ઝટકો આપશે
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાની મર્યાદા લાગુ કરવાની સંભાવના પર વિચાર
Canada news | કેનેડામાં વધતી જતી બેરોજગારી અને રહેવા માટે ઘરના સંકટ વચ્ચે ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં તે દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર એક મર્યાદા લાગુ કરવાની સંભાવનાઓ પર વિચારી રહ્યા છે.
સરકારની આ છે તૈયારી!
અહેવાલ અનુસાર જોકે મંત્રીએ એવું ન જણાવ્યું કે સરકાર ઈમિગ્રેશન સિસ્ટમમાં કેટલા ટકા કાપ મૂકવાની કે મર્યાદા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જો એવું થઈ જશે તો પછી કેનેડામાં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક ચોક્કસ પ્રમાણમાં જ રહેશે.
શું કહ્યું ઈમિગ્રેશન મંત્રીએ?
એક ઈન્ટરવ્યૂમાં મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં કહ્યું કે ‘આ સંખ્યા ખરેખર ચિંતાજનક છે. આ ખરેખર એક એવી સિસ્ટમ છે જે નિયંત્રણ બહાર થઇ ગઇ છે. અમે પ્રથમ અને બીજી ત્રિમાસિકમાં જ ઘરની માગને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એક મર્યાદા નક્કી કરવાની સંભાવનાઓ પર વિચારીશું.’