Get The App

કુદરતની અવગણના કરતું અમેરિકા હવે લાચાર, અબજો ડોલરના દેવાં વચ્ચે અબજો ડોલરનું નુકસાન

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
US Fire


US Fire: અમેરિકામાં લાગેલી આગ જેણે જંગલો ઉપરાંત હોલિવૂડને પણ શકંજામાં લઈ લીધું છે તેણે જગતજમાદારની ચિંતા વધારી દીધી છે. અબજો ડોલરનુ નુકસાન, હજારો એકર જંગલોનો નાશ, પ્રાણીઓના મોત, લોકોની સંપત્તીનું નુકસાન અને સંશાધનોને નુકસાનના કારણે અમેરિકાની ચિંતામાં વધારે થયો છે. અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા રાજય કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં જંગલો ભડકે બળી રહ્યા છે. લોસ એન્જેલસના અલગ અલગ વિસ્તારોમાં દોઢ લાખથી વધારે લોકો વિસ્થાપિત થઈ ગયા છે. 12 હજારથી વધારે મકાનો ખાખ થઈ ગયા છે. આ સિવાય હજારોની સંખ્યામાં ઈમારતો અને સંપત્તીને નુકસાન થયું છે. આ સ્થિતિ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. 

આગ લાગવાની ઘટના ખરેખર ચિંતાજનક છે

ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે કે, સામાન્ય રીતે કેલિફોર્નિયામાં જૂન-જુલાઈમાં સુકા વાતાવરણમાં જંગલોમાં આગ ફાટી નીકળવાની ઘટના બનતી હોય છે. ક્યારેક ઑક્ટોબર સુધી આવી સ્થિતિ ખેંચાયેલી જોવા મળે છે પણ આ વખતે જાન્યુઆરીમાં આગ લાગવાની ઘટના બની છે જે ખરેખર ચિંતાજનક છે. હવામાન અને વાતાવરણમાં થઈ રહેલા અગમ્ય ફેરફારો જંગલો અને સજીવ સૃષ્ટી માટે જોખમી બની રહ્યા છે.

કેલિફોર્નિયામાં સુકા દુકાળ જેવી સ્થિતિ

જાણકારોના મતે કેલિફોર્નિયામાં ઘણા સમયથી સુકા દુકાળ જેવી સ્થિતિ ચાલી રહી છે. અહીંયા મહિનાઓથી વરસાદ પડયો નથી. ગત વર્ષે અમેરિકાના આ જ રાજ્યમાં દુકાળની સ્થિતિ હતી પણ તે ઓછા પ્રમાણમાં હતી. ગત વર્ષે કેલિફાર્નિયાનો માત્ર ચાર ટકા ભાગ સુકો બન્યો હતો. આ વર્ષે કેલિફોર્નિયાના 60 ટકા વિસ્તારો સુકા થઈ ગયા છે. અહીંયા વરસાદ નથી, પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે. તેના કારણે વાતાવરણ અત્યંત શુષ્ક અને ગરમ થઈ રહ્યું છે. 

અમેરિકાના કલાઈમેટમાં થયેલા ફેરફાર હવે અસર દેખાડી રહ્યા છે 

જાણકારો દ્રઢપણે માને છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવેલો અંધાધૂંધ વિકાસ હવે તેને નડી રહ્યો છે. અમેરિકાના કલાઈમેટમાં થઈ રહેલા નાટકિય ફેરફારો તેને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. બરફના તોફાનો, વાવાઝોડા અને હવે સુકા વાતાવરણના કારણે દાવાનળ ફાટવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલા આકસ્મિક પલટાઓને કારણે હવાની ગતી અને શુષ્કતા વધી ગયા છે. તે જંગલો માટે જોખમી બની રહી છે.

કુદરતની અવગણના કરતું અમેરિકા હવે લાચાર, અબજો ડોલરના દેવાં વચ્ચે અબજો ડોલરનું નુકસાન 2 - image

સેન્ટ એનાના કારણે અમેરિકાના જંગલો ભડકે બળ્યા

કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ માટે જાણકારોમાં મતમતાંતર ચાલે છે પણ તેમ છતાં વાતાવરણમાં પલટો થયાનું તમામ લોકો માને છે. તેઓ કહે છે કે, સેન્ટ એનાની સ્થિતિને કારણે કેલિફોર્નિયાના જંગલો ભડકે બની રહ્યા છે. સુકા વાતાવરણમાં કેલિફોર્નિયાની સ્થિતિ બદલાયેલી હોય છે. અહીંયા રણ પ્રદેશથી આવતા સુકા અને ગરમ પવનો કિનારા તરફ આગળ વધતા હોય છે. તે સુકા હોવાના કારણે જંગલોમાં રહેલા ભેજને પણ તેઓ ઓછો કરી નાખે છે. 

જંગલો ખુબ જ સુકાઈ જવાના કારણે જોખમી બની જાય છે. આ સ્થિતિમાં અહીંયા સિગારેટનું હુંઠું પણ પડે અથવા તો કારમાંથી કે વીજળીના તારમાંથી એક તણખો પણ ઝરે તો લાખો વર્ગ કિ.મીના જંગલો જોતજોતામાં ભડકે બળે તેમ છે. 2018થી કેલિફોર્નિયામાં આવું જ થઈ રહ્યું છે. સુકા પવનો અને વધતી ગરમીને કારણે જંગલો સુકાઈ રહ્યા છે. આ સુકા જંગલોમાં કોઈને કોઈ કારણોથી આગ લાગી રહી છે. 

100 કિ.મીની આસપાસ ચાલતા પવનો અને સુકા વાતાવરણે હકીકતમાં બળતામાં ઘી હોમવાનું કર્યું છે. અત્યાર સુધીમાં 38 હજાર એકરથી વિસ્તારમાં જંગલો ખાખ થઈ ગયા છે. જાણકારોના મતે જંગલોની આસપાસ આવેલા રહેણાક વિસ્તારોમાં વીજળી તાર તૂટવાની કે તેમાંથી તણખા ઝરવાની ઘટના બને તો પણ આગ લાગી શકે છે. હાલમાં આ દિશામાં જ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે

60 ટકા જંગલ ખાખ, અમેરિકા લાચાર બની રહ્યું છે

જગતજમાદાર થઈને ફરી રહેલું અમેરિકા અત્યારે લાચાર દેખાઈ રહ્યું છે. આખા વિશ્વને ભડકે બાળવા દરેક દેશને હથિયાર પકડાવનારા અત્યારે આગની સામે લાચારીથી ઝઝુમી રહ્યા છે. કેલિફોર્નિયાના લોસ એન્જેલસ ખાતેના જંગલોમાં વ્યાપક નુકસાન થયું છે. 60 ટકા જંગલ વિસ્તાર બળી ગયો છે અને આ ભિષણ આગને હજી સુધી રોકી શકાઈ નથી. 7 જાન્યુઆરીથી શરૂ થયેલું આગનું તાંડવ 10 જાન્યુઆરી સુધીમાં અબજો ડોલરની સંપત્તી, સંસાધનને સ્વાહા કરી ગયું છે. દોઢ લાખ લોકો ઘર વગર વિસ્થાપિત થઈ ગયા છે. તે સિવાય અંદાજે બે લાખ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. 

તે સિવાય કુલ 1.9 કરોડ લોકોને આગની ચેતવણી આપીને એલર્ટ રહેવાના આદેશો અપાયા છે. આગ કોઈપણ રીતે ધીમી નહીં પડે કે કાબુમાં નહીં આવે તો ભારે નુકસાન જવાનું છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખત ઘણો ઓછો વરસાદ થયો છે. વાતાવરણ સુકાયેલું અને ગરમીથી ભરપુર છે. આ સંજોગોમાં જંગલો બળી અને દાવાનળ ભડકે તે સ્વાભાવિક છે. 

જંગલોમાં વારંવાર લાગી રહેલી આંગના કારણે અમેરિકા હવે ચિંતામાં મુકાયું છે. તેમાંય હોલિવૂડ કે જ્યાં ધનકુબેરો અને દુનિયાભરની જાણીતી હસ્તીઓના મકાનો છે ત્યાં સુધી આગ ફેલાઈ ગઈ તેના કારણે નુકસાન ખૂબ જ મોટું થયું છે. આ નુકસાને અમેરિકાની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

કુદરતની અવગણના કરતું અમેરિકા હવે લાચાર, અબજો ડોલરના દેવાં વચ્ચે અબજો ડોલરનું નુકસાન 3 - image

કેલિફોર્નિયામાં છેલ્લાં સાત વર્ષમાં કરોડો એકર જંગલો ખાખ

હાલમાં માત્ર લોસ એન્જેલસમાં જ 29 હજાર એકર જંગલ અને જમીન આગની ઝપટે ચડયા છે પણ કેલિફોર્નિયામાં કુલ 10 લાખ એકર વિસ્તારમાં આગ ફેલાઈ છે. આ આંકડો કદાચ બદલાઈ શકે છે. કેલિફોર્નિયાના જંગલોમાં સતત આગ લાગતી રહી છે. ભૂતકાળમાં ઘણા મોટા વિસ્તારો બળી ગયા છે. અહીંયા 2019 થી 2024 સુધીમાં કરોડો એકર જમીન ખાખ થઈ ગઈ છે. 2019 અને 2018માં અંદાજે 16 લાખ અને 20 લાખ એકર જમીન અને જંગલો બળીને ભસ્મ થઈ ગયા હતા. 

ત્યારબાદ 2019માં ઘટનાઓ ઓછી બની હતી અને માત્ર 3 લાખ એકરમાં આગ ફેલાઈ હતી. 2020નું વર્ષ દાવાનળ અને જંગલની આગની ઘટનાઓ માટે ગંભીર રહ્યું હતું. 2020માં 43 લાખ એકર જમીનમાં આગ લાગી હતી. દાવાનળની ઘટનાઓની વાત કરીએ તો આ ઘટના છેલ્લા એક દાયકાની સૌથી મોટી ઘટના હતી. ત્યારબાદ 2021માં 26 લાખ એકર જમીનનો દાવાનળ બુકડો બોલાવી ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે આગ લાગવાની ઘટનાઓમાં ઘટાડો આવવા લાગ્યો. 2022-23માં સરેરાશ આગ લાગવાની ઘટનાઓમાં અનુક્રમે 3.30 અને 3.32 લાખ એકર જમીન આગની ઝપટેમાં આવી ગઈ.

અબજો ડોલરનું દેવું અને હવે અબજો ડોલરનું નુકસાન 

અમેરિકા ભલે તંગડી ઉંચી રાખે પણ તેની સ્થિતિ કફોડી છે. આર્થિક મોરચે તે પણ સંઘર્ષ કરી રહ્યો છે. અમેરિકા ઉપર અબજો ડોલરના દેવાનો ભાર છે ત્યારે કેલિફોર્નિયામાં લાગેલા આ આગને કારણે જોખમ વધી ગયું છે. સૂત્રોના મતે ત્રણ જ દિવસમાં અમેરિકાને 150 અબજ ડોલરનું નુકસાન થયું છે. હજી પણ આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી નથી. 

બજારના જાણકારોના મતે હોલિવૂડ સુધી આગ પહોંચી ગઈ છે. તેના કારણે 10 હજાર કરતા વધારે મકાનો બળીને ખાખ થઈ ગયા છે. આગામી દિવસોમાં આગ કાબુમાં ન આવી તો નુકસાન વધતું જશે. હાલમાં આગને કારણે 4.50 લાખ મકાનોને અસર થવાની ભીતી છે. આ મકાનોમાં આગ લાગી તો તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગશે. આ ઉપરાંત આ મકાનો બનાવવા માટે 300 અબજ ડોલર જેટલો તોતિંગ ખર્ચો આવશે. 

હાલમાં અમેરિકાનું દેવું 36 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ આગને કારણે નુકસાન વધતું જશે તો અમેરિકા ઉપર આર્થિક ભારણ વધશે. હાલમાં અમેરિકા દરરોજ 2 અબજ ડોલર વ્યાજ ચુકવી રહ્યું છે. આ સ્થિતિ ચાલુ રહી તો આગામી દાયકામાં અમેરિકાનું દેવું 55 ટ્રિલિયન ડોલર પહોંચી જાય તેમ છે. તેના કારણે અમેરિકા આર્થિક ભીસમાં મુકાય તેમ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: કિમ જોંગ ઉન રશિયાને 1 લાખ સૈનિકો મોકલશે, બદલામાં મિસાઈલ ટેક્નોલોજી મેળવશે, અમેરિકા-યુક્રેન ટેન્શનમાં

ઉત્તરાખંડમાં પણ આવો જ હાહાકાર ફેલાયો હતો

અમેરિકામાં હાલમાં જે આગનું તાંડવ ચાલી રહ્યું છે, તેણે સમગ્ર દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે. દર વર્ષે અહીંયા દાવાનળની બે-ચાર ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓ અમેરિકામાં હવે મોટી થઈ રહી છે અને તેની સંખ્યા પણ વધી રહી છે. આ ઘટના ગત વર્ષે ભારતમાં પણ બની હતી. 

ઉત્તરાખંડમાં અલ્મોડાના જંગલોમાં આગ લાગી હતી જે 41 દિવસ સુધી સળગતી રહી હતી. સદનસીબે તેમાં જાનહાની ઓછી થઈ હતી. 10 લોકો માર્યા ગયા હતા પણ હજારો એકરમાં ફેલાયેલી કુદરતી સંપદા નષ્ટ થઈ ગઈ હતી. 1 નવેમ્બર 2023થી 5 મે 2024 સુધીમાં ઉત્તરાખંડમાં દાવાનળની અને જંગલોમાં આગ લાગવાની કુલ 575 ઘટનાઓ બની હતી. આ ઘટનામાં અંદાજે 1700 એકર જંગલો બળીને ખાખ થઈ ગયા હતા. 

ઉત્તરાખંડમાં 2016માં ભીષણ આગ લાગી હતી. તે વખતે માત્ર એક મહિનામાં જંગલોમાં આગ લાગવાની 1600 ઘટનાઓ બની હતી જેમાં અંદાજે 11,215 એકર જંગલો બળી ગયા હતા. કલાઈમેટ ચેન્જના કારણે અમેરિકા, ભારત અને સુકા જંગલો ધરાવતા દેશોમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જાય છે.

કુદરતની અવગણના કરતું અમેરિકા હવે લાચાર, અબજો ડોલરના દેવાં વચ્ચે અબજો ડોલરનું નુકસાન 4 - image



Google NewsGoogle News