અમેરિકાનો મુસ્લિમ સમુદાય બાઈડનથી નારાજ, ઘણા આગેવાનો વ્હાઈટ હાઉસની ઈફતાર પાર્ટીમાં નહીં જાય
Image Source: Twitter
અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઈડનથી અમેરિકાનો મુસ્લિમ સમુદાય નારાજ હોય તેમ લાગી રહ્યુ છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમેરિકાના મુસ્લિમ નેતાઓ બાઈડનથી નારાજ છે અને વ્હાઈટ હાઉસ દ્વારા યોજાનારી ઈફતાર પાર્ટીનુ નિમંત્રણ ઘણા મુસ્લિમ આગેવાનોએ ઠુકરાવી દીધુ છે.
મુસ્લિમ સમુદાયની નારાજગીના કારણે હવે ડેમોક્રેટિક પાર્ટીને ડર લાગી રહયો છે કે, આગામી ચૂંટણીમાં બાઈડનને તેના કારણે નુકસાન થઈ શકે છે.
પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મંગળવારની ઈફતાર પાર્ટી માટે ઘણા મુસ્લિમ આગેવાનો તેમજ અધિકારીઓને આમંત્રણ અપાયુ છે. જોકે તેમના નામની જાણકારી વ્હાઈટ હાઉસે આપી નથી.
અમેરિકન અખબારના અહેવાલ પ્રમાણે છેલ્લા 6 મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલ દ્વારા જે રીતે ગાઝા પર હુમલા કરવામાં આવ્યા છે અને આમ છતા અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપવાનુ ચાલુ રાખ્યુ છે તેના કારણે મુસ્લિમ આગેવાનો નારાજ છે અને ઘણા લોકોએ વ્હાઈટ હાઉસની ઈફતાર પાર્ટીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
મંગળવારે સાંજે ઈફતાર પાર્ટીના ભાગરુપે મહેમાનો માટે વ્હાઈટ હાઉસમાં ડિનરનુ આયોજન કરવામાં આવ્યુ છે. વ્હાઈટ હાઉસના પ્રવકતાનુ કહેવુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રમઝાન મહિનામાં ઈફતાર પાર્ટી યોજવાની પરંપરાને આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી છે.