અમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન અમલી
- હવે લોટરીમાં અરજદારનો પાસપોર્ટ નંબર કેન્દ્ર સ્થાને
- અરજદારે એકથી વધુ અરજીઓ કરી હોય તો પણ તેને એક જ અરજી ગણી પ્રોસેસ કરવામાં આવશે એચવનબી વીસા પ્રોસેસ રજિસ્ટ્રેશનથી માંડી આખરી નિર્ણય સુધી સંપૂર્ણપણે ઇલેકટ્રોનિકલી થશે
વોશિંગ્ટન : હજારો ભારતીય આઇટી પ્રોફેસનલ્સ જેની ટાંપીને રાહ જુએ છે તે એચવન બી વીસાની વાર્ષિક લોટરી સિસ્ટમમાં યુએસ દ્વારા ધરમૂળથી પરિવર્તનો કરવામાં આવ્યા છે. આ પરિવર્તનોનો હેતુ છેતરપિંડી ઘટાડવાનો અને રજિસ્ટ્રેશન સિસ્ટમ સરળ બનાવવાનો છે. આ ઉપરાંત ૨૯ જાન્યુઆરીથી યુએસમાં એચવન બી વીસા ડોમેસ્ટિકલી રિન્યુ કરવાનો પાઇલટ પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે.
નવી સિસ્ટમમાં સમગ્ર પ્રક્રિયાને લાભાર્થી કેન્દ્રી બનાવી દેવામાં આવી છે. જેના કારણે ભૂતકાળમાં એક વ્યક્તિ અનેક અરજીઓ કરી શકતી હતી તે બંધ થઇ જશે.
હવે એચ વનબી વીસા અરજી વ્યક્તિગત ધોરણે જ સ્વીકારવામાં અને ગણવામાં આવશે. હવે જો એક જ વ્યક્તિ વિવિધ કંપની મારફતે અનેક અરજીઓ કરશે તો પણ તેને પાસપોર્ટ નંબરને આધારે એક જ અરજી ગણવામાં આવશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ-યુએસસીઆઇએસ દ્વારા નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા એચવન બી વીસાની રજિસ્ટ્રેશન પ્રોસેસમાં થતી છેતરપિંડીઓ ઘટાડી શકાશે.
હવે એક વ્યક્તિ તરફથી અનેક અરજી કરાઇ હોય તો પણ તેને એકજ ગણી દરેક અરજદારને સમાન તક આપવામાં આવશે તેમ ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું. યુએસસીઆઇએસના ડાયરેકટર એમ. જાડુઉએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાને કારણે એચવનબી વીસા પ્રોસેસ રજિસ્ટ્રેશનથી માંડી આખરી નિર્ણય સુધી સંપૂર્ણપણે ઇલેકટ્રોનિકલી કરવામાં આવશે. જેને કારણે તમામ અરજદારોને સમાન તક મળશે.
૨૦૨૫ની એચવન બી વીસા કેપ માટે રજિસ્ટ્રેશન છ માર્ચની બપોરે શરૂ કરવામાં આવશે અને તે બાવીસ માર્ચ સુધી ચાલશે. આ સમયગાળા દરમ્યાન અરજદાર અથવા તેના પ્રતિનિધિએ યુએસસીઆઇએસ ઓનલાઇન એકાઉન્ટ ખોલી તેના પર સિલેક્શન પ્રોસેસ માટે નોંધણી કરાવી સબંધિત રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે. ૨૮ ફેબુ્રઆરીથી કંપનીઓને તેમના એકાઉન્ટ ખોલવા દેવામાં આવશે જેમાં તેઓ તેમની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરવા દેવામાં આવશે. આ લાભાર્થી કેન્દ્રી પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન નહીં પણ લાભાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવશે.
૨૦૨૫ના વર્ષ માટે પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે જેમાં અરજી કરનારે માન્ય પાસપોર્ટની વિગતો અથવા માન્ય પ્રવાસ દસ્તાવેજ દરેક લાભાર્થી માટે રજૂ કરવાનો રહેશે.
યુએસમાં એચવન બી વિઝા ડોમેસ્ટિકલી રીન્યુ કરવાનો પાઇલટ પ્રોગ્રામ શરૂ
બીજી તરફ વિદેશ વિભાગ દ્વારાજાહેર કરવામાં આવ્યું છે કે એચવન બી ફોરિન વર્ક વીસા ને ડોમેસ્ટિકલી રિન્યુ કરવાના પાઇલટ પ્રોગ્રામ માટે ૨૯ જાન્યુઆરી ૨૦૨૪થી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ પહેલી એપ્રિલ ૨૦૨૪ સુધી અથવા અરજીના તમામ સ્લોટસ ભરાઇ ન જાય ત્યાં સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. બે દાયકામાં આ પહેલીવાર એચવન બી નોનઇમિગ્રન્ટ્સ તેમના વીસા યુએસમાં રહીને જ રીન્યુ કરાવી શકશે. આ પાઇલટ પ્રોગ્રામ સ્વૈચ્છિક છે અને દર અઠવાડિયે તેમાં ૪૦૦૦ અરજીઓ સ્વીકારવામાં આવશે. જેમાં ૨૦૦૦ એવી અરજીઓ સ્વીકારવામાં આવશે જેમાં એચવનબી વીસા કેનેડામાં ડિપ્લોમેટિક મિશન્સ દ્વારા જારી કરવામાં આવ્યા હોય. બીજી ૨૦૦૦ અરજીઓ એવી સ્વીકારવામાં આવશે જેમાં એચવન બી વીસા ભારતમાં રહેલી યુએસ એમ્બેસીઓ અને કોન્શ્યુલેટ્સ દ્વારા જારી કરવામાં આવ્યા હોય.
આ વીસા રિન્યુઅલ માટે એપ્લિકેશન સ્લોટ્સ ૨૯ જાન્યુઆરી, ૫ ફેબુ્રઆરી,૧૨ ફેબુ્રઆરી, ૧૯ ફેબુ્રઆરી અને ૨૬ ફેબુ્રઆરીએ જાહેર કરવામાં આવશે. જેમાં અરજદારોની અરજીઓ વહેલો તે પહેલો ધોરણે સાપ્તાહિક મર્યાદા પુરી ન થાય ત્યાં સુધી જ સ્વીકારવામાં આવશે. આને માટેનો અરજીઓ પહેલી એપ્રિલ ૨૦૨૪ અથવા તમામ એપ્લિકેશન સ્લોટ ભરાઇ જાય તેમાંથી જે વહેલું હોય થાય ત્યાં સુધી સ્વીકારવામાં આવશે. અરજદારનો પાસપોર્ટ તથા અન્ય જરૂરી દસ્તાવેજો વિદેશ વિભાગને મળે તે પછી અરજી પ્રોસેસ કરવામાં છથી આઠ અઠવાડિયાનો સમય લાગશે. તમામ અરજીઓને વહેલો તે પહેલો ધોરણે પ્રોસેસ કરવામાં આવશે.