મોદી સરકારને ઉથલાવવાનું અમેરિકાનું કાવતરું! જાણો કોને બનાવશે 'હાથો', રશિયાનો ગંભીર આક્ષેપ
US Plot Against Modi Government | રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે આ સપ્તાહે યુક્રેનમાં પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવાના છે. ત્યારે રશિયન મીડિયાના એક સનસનીખેજ ઘટસ્ફોટથી હોબાળો મચી ગયો છે. રશિયાના સરકારી મીડિયા હાઉસ સ્પુતનિકે ઘટસ્ફોટ કર્યો છે કે અમેરિકાએ વકફ બોર્ડ બિલના સંદર્ભમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને હાથો બનાવી મોદી સરકારને ઉથલાવી દેવાનું કાવતરું ઘડ્યું છે. આ કારણથી જ અમેરિકન રાજદ્વારીઓની વિપક્ષના નેતાઓ સાથેની મુલાકાતો પર કેન્દ્રની મોદી સરકારની ચાંપતી નજર છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધે સમગ્ર દુનિયામાં ભારે તંગદિલી ફેલાવી છે અને દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધતી હોવાની આશંકાઓ પ્રબળ બની રહી છે. આવા સમયે આ યુદ્ધ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિનામાં રશિયાની મુલાકાત લીધી હતી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના આમંત્રણથી આ સપ્તાહે રાજધાની કીવ જવાના છે. ભારતે રશિયા અને યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થીની વાતોનો સંદતર ઈન્કાર કરી દીધો છે. આમ છતાં, ભારત પાછલા બારણે બંને દેશો વચ્ચે વાટાઘાટો કરતું હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રશિયન મીડિયા સ્પુટનિક ઈન્ડિયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઈએ આંધ્ર બાપ્ટિસ્ટ ચર્ચ અને વિપક્ષના વિવિધ નેતાઓનો સાથ લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી પક્ષને એનડીએમાંથી ઈન્ડિયા ગઠબંધનમાં ખેંચી લાવી મોદી સરકારને ઉથલાવી દેવાનું કાવતરું ઘડી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં વકફ કાયદામાં સુધારો કરતું બિલ રજૂ કરતા ચંદ્રાબાબુ નાયડુએ આ બિલનો વિરોધ કર્યો હતો, જેના પગલે મોદી સરકારે આ બિલ સમીક્ષા માટે 31 સભ્યોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ કર્યું હતું તેવા સમયમાં યુએસ કોન્સ્યુલ જનરલ જેનિફર લાર્સન હૈદરાબાદમાં 12 ઑગસ્ટે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. ઓવૈસી સાથે એક સપ્તાહમાં આ તેમની બીજી મુલાકાત હતી. ઓવૈસી સાથેની મુલાકાત પહેલાં લાર્સને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે 31 જુલાઈના રોજ મુલાકાત કરી હતી.
આ સિવાય બે ઑગસ્ટના રોજ જેનિફર લાર્સન તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ મળ્યા હતા. લોકસભા ચૂંટણી સમયે રેવંત રેડ્ડી અને ચંદ્રાબાબુ નાયડુની મિત્રતાની પણ ઘણી ચર્ચા થઈ હતી. આ બધી બાબતોને સાંકળતા ચંદ્રાબાબુ નાયડુ અવિશ્વાસની દરખાસ્ત લાવીને મોદી સરકારને ઉથલાવી દેશે તેવો રશિયન મીડિયા સ્પુતનિક ઈન્ડિયાએ દાવો કર્યો છે. તેણે ઉમેર્યું છે કે અમેરિકા મોદી સરકારને ઉથલાવવા માટે વિપક્ષના નેતાઓનો પણ સાથ મેળવવા કાવતરું ઘડી રહ્યું છે. અમેરિકન રાજદ્વારીની મુલાકાતો પર ભારત સરકારની નજર છે.
જોકે, કેટલાક રાજકીય અને સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે બાંગ્લાદેશમાં થયેલી ઉથલ-પાથલ વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તેમની સરકાર સામેના બળવા માટે કથિત રીતે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આવા સમયમાં રશિયન મીડિયા ભારતમાં આવા સમાચાર ફેલાવીને જનતામાં અમેરિકા વિરુદ્ધ વાતાવરણ ફેલવવાનો પ્રયત્ન કરતું હોવાની પણ અટકળો થઈ રહી છે.