''અમે તેમાં પડવા નથી માગતા'' : પાકિસ્તાનના ભારત પરના આક્ષેપો અંગે અમેરિકાએ કરેલી સ્પષ્ટ વાત
- ભારતે પાકિસ્તાનની ભૂમિમાં ઘૂસીને બે આંતકીઓને ઠાર માર્યા તેની પાકે. અમેરિકા સમક્ષ ફરિયાદ કરતા આ જવાબ મળ્યો
વોશિંગ્ટન : ભારતે પાકિસ્તાનની સરહદમાં ઘુસી બે આતંકીઓને ઠાર માર્યા પછી ઘૂંઘવાયેલા પાકિસ્તાને અમેરિકા સમક્ષ ફરિયાદ કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ-મિલરે બહુજ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે તેમાં પડવા નથી માગતા.
પત્રકારોને કરેલા સંબોધનમાં મેથ્યુ મિલરે કહ્યું હતું કે ''અમે આ પ્રકારના આક્ષેપો સંબંધે હસ્તક્ષેપ તો કરવાના જ નથી. પરંતુ અમારું તો બંને પક્ષોને કહેવું છે કે તેઓએ તંગદિલી વધે તેવું કશું જ કરવાને બદલે મંત્રણા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવો.''
આ પૂર્વે ભારતના સંરક્ષણ મંત્રી, રાજનાથ સિંહે સીએનએન ન્યુઝ-૧૮ ને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતમાં ત્રાસવાદી હુમલા કર્યા પછી પાકિસ્તાન ભાગી જતા ત્રાસવાદીઓનો પીછો કરી અમે તેમને પાકિસ્તાનની ભૂમિ ઉપર પણ ઠાર મારીશું.
આ પૂર્વે ઈંગ્લેન્ડના વર્તમાનપત્ર ધી ગાર્ડીયને એવો આક્ષેપ કર્યો હતો. ભારત સરકારે ત્રાસવાદ સામે લીધેલા પગલાં કઠોર બની રહ્યા છે અને ૨૦૨૦ થી હજી સુધીમાં તેણે ૨૦ જેટલાને પાકિસ્તાનમાં જઈને મારી નાખ્યા છે.
ગાર્ડીયનના આ અહેવાલો અંગે પત્રકારોએ ભારત તેમજ પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયોનો સંપર્ક સાધતા બંને મંત્રાલયો તરફથી કોઈ ઉત્તર મળ્યો ન હતો.
બીજી તરફ ભારતના સંરક્ષણ મંત્રીએ આ અહેવાલો અંગે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ફરી ભારપૂર્વક કહ્યું હતું કે ''અમે સરહદ ઓળંગીને પણ ત્યાં નાસી જતા (ત્રાસવાદીઓ)નો પીછો કરી તેમને ખતમ કરી નાખીશું.''
આ સાથે રાજનાથસિંહે કહ્યું હતું કે અમે પાડોશી દેશો સાથે શાંતિમય સંબંધો રાખવા માગીએ જ છીએ. પરંતુ જો અમારી સામે ભયભીત કરવાની ધમકીઓ અપાશે. તો અમે તેનો કટ્ટરતાથી જવાબ આપીશું જ.
૨૦૧૯ માં ભારતીય સલામતી દળોના કાફલા ઉપર આતંકી હુમલો થયો હતો. મને તેના જવાબમાં ભારતે આતંકી છાવણીઓને સાફ કરતી ''એર-સ્ટ્રાઈક્સ'' કર્યા પછી બંને દેશો વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે. તે દુનિયા આખી જાણે છે.