અમેરિકામાં ફિર એક બાર ટ્રમ્પ સરકાર
- સૌથી મોટી વયે યુએસ પ્રમુખ બનનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વ્યક્તિ
- અમેરિકાનો ફરીથી ગોલ્ડન યુગ લાવવાનું ટ્રમ્પે વચન આપ્યું : આ મારો નહીં પણ અમેરિકન પ્રજાનો વિજય છે
- ટ્રમ્પે વિજય માટે જરૂરી 270 ઇલેક્ટોરલ મતનો આંકડા 277 મત સાથે વટાવી દીધો, કમલાને 224 મત
વોશિંગ્ટન : રિપબ્લિકન ઉમેદવાર ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં ૨૭૭ ઇલેક્ટોરલ વોટ સાથે અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ રહેવાની સાથે શપથ લેનારા અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બનશે. તેમના પહેલા જો બાઇડેને સૌથી વૃદ્ધ અમેરિકન પ્રમુખ તરીકે ૭૮ વર્ષ અને ૬૧ વષે શપથ લીધા હતા. જ્યારે ટ્રમ્પ ૭૮ વર્ષ ૨૨૧ દિવસે શપથ લેશે. ચૂંટણી જીતવા ૨૭૦ ઇલેક્ટોરલ વોટની જરૂર હોય છે. તેમની કટ્ટર હરીફ ડેમોક્રેટ્સ કમલા હેરિસને ૨૨૪ ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા.
કમલા હેરિસે તેને પ્રમુખપદની ચૂંટણી લડવા માટે મળેલા ૧૦૦ દિવસમાં મુખ્ય દાવેદાર ટ્રમ્પને રીતસરનો પરસેવો પડાવી દીધો હતો.કમલા હેરિસે ટ્રમ્પને પહેલી જ ડિબેટમાં ધોબીપછાડ આપતા ટ્રમ્પની ટીમે પછી ડિબેટ જ ન કરવાનો નિર્ણય લેવો પડયો હતો. આ સ્થિતિ બતાવે છે કે જો કમલા હેરિસને ડેમોક્રેટ્સે છેલ્લી ઘડીએ અને બાઇડેનના વિકલ્પ તરીકે મેદાનમાં ઉતારી તેના બદલે વહેલા ઉતારી હોત તો ટ્રમ્પ માટે આ ચૂંટણી જીતવી અશક્ય બની ગઈ હોત.
ટ્રમ્પે ફ્લોરિડામાં વેસ્ટ પામ બીચમાં તેના સમર્થકોને સંબોધન કર્યુ હતું. તેની સાથે અમેરિકાના સુવર્ણયુગનું વચન આપ્યું હતું. તેમણે જણવ્યું હતું કે અમેરિકાએ વણકલ્પ્યો જનચુકાદો આપ્યો છે, અમેરિકાના હવે અચ્છે દિન આવશે. આ વિજય અમેરિકન પ્રજાનો વિજય છે. આ વિજય ફક્ત વિજય નથી પણ એક મોટી ચળવળ છે. આવી ચળવળ કોઈએ ક્યારેય જોઈ નથી. હું માનું છું કે આ વિજય તે અત્યાર સુધીની સૌથી મહાન રાજકીય ચળવળ છે. તેણે જણાવ્યું હતું કે બોર્ડરથી લઈને દરેક બાબતો અંગે આપણા દેશની દરેક સમસ્યાનો આપણે ઉકેલ લાવીશું. ટ્રમ્પ અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે તો અમેરિકાના સૌથી યુવા રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટ હતા અને તે ૧૯૦૧માં અમેરિકાના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની વય ૪૨ વર્ષ ૩૨૨ દિવસ હતી. તેના પછી બીજા ક્રમે જોન કેનેડી આવે છે. તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની વય ૪૩ વર્ષ એન ૨૩૬ દિવસ હતી. બિલ ક્લિન્ટન ત્રીજા નંબરના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા. તેમણે શપથ લીધા ત્યારે તેમની વય ૪૬ વર્ષ ૧૫૪ દિવસ હતી.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકનોએ મને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટીને અસાધારણ કામ કર્યુ છે તો હું પણ તેમના માટે અસાધારણ કામ કરીશ. દેશમાં ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે હું તેમના માટે સતત લડતો રહીશ, મારા લોહીના અંતિમ બુંદ સુધી હું તેમના માટે લડતો રહીશ. હું અમેરિકાને મજબૂત, સલામત અને સમૃદ્ધ જોઈશ નહીં ત્યાં સુધી ઝંપીને બેસીશ નહીં. અમેરિકનો હજી પણ વધુ સારા દિવસો માટેના હક્કદાર છે અને તે તેમને મારા કાર્યકાળમાં જોવા મળશે. ટ્રમ્પ પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના તથા વિસ્કોન્સિન જેવા રાજ્યોમાં જીત્યા હતા. જો કે એરિઝોના, મિશિગન અને નેવાડામાં હજી મતગણતરી જારી છે.
ગર્ભપાતના મુદ્દા છતાં પણ ટ્રમ્પને સફળતા મળી
ચૂંટણીમાં બમ્પર મતથી કેવી રીતે જીત્યા ડોનાલ્ડ ટ્રમ્પ
લોકો પર રાષ્ટ્રવાદ અને મજબૂત નેતૃત્વની છાપ છોડવામાં ટ્રમ્પ સફળ નીવડયા
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને કમલા હેરિસને હરાવી તેમા તેમણે ઉઠાવેલા મુદ્દાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ તેમના ઉમેદવારોના હિસાબે મુદ્દા ઉઠાવ્યા હતા. ટ્રમ્પના વિજયના પાંચ મુખ્ય કારણો નીચે મુજબ છે:
રાષ્ટ્રવાદ અને મજબૂત નેતૃત્વ
અમેરિકન ચૂંટણીમાં આ ચૂંટણી જેટલો રાષ્ટ્રવાદનો મુદ્દો અગાઉ ક્યારેય હાવી રહ્યો નથી. ટ્રમ્પે તે સાબિત કરવામાં સફળતા મેળવી કે તે સૌથી મોટા રાષ્ટ્રવાદી નેતા છે. અમેરિકાનું સુકાન તેમના હાથમાં સલામત છે. તે સમગ્ર વિશ્વમાં અમેરિકાની શાખ ફરીથી પ્રસ્થાપિત કરી શકે છે.
ઇમિગ્રેશન સળગતો સવાલ
અમેરિકનો તેમની ટેક્સની કમાણી ગેરકાયદે વસાહતીઓ પાછળ ખર્ચાતી હોવાથી નારાજ હતા. ટ્રમ્પે આ બાબતનો બખૂબી ફાયદો ઉઠાવ્યો. તેણે આ પ્રકારનું વલણ ધરાવતા મોટા વર્ગને સાધ્યો. અમેરિકાની ચૂંટણીમાં ઇમિગ્રેશનને મુદ્દો બનાવનાર ટ્રમ્પ જ હતા. અગાઉની ચૂંટણીમાં કોઈપણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેટલી કુશળતાથી ઇમિગ્રેશનનો મુદ્દો બનાવ્યો નથી.
શ્વેત મહિલાઓનું ટ્રમ્પને સમર્થન
આ ચૂંટણીમાં ટ્રમ્પના વિજયનું કારણ તેમના પક્ષમાં શ્વેત મહિલાઓએ કરેલું મતદાન છે. કમલા હેરિસ અને ડેમોક્રેટ્સે ગર્ભપાતના મુદ્દે ટ્રમ્પને ઘેરવાને પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં ટ્રમ્પે વ્હાઇટ મહિલાઓને તે સમજાવવામાં સફળતા મેળવી કે તેમના માટે ગર્ભપાત એક જ મુદ્દો નથી, આ મુદ્દો દરેક કુટુંબને તેટલો પ્રભાવિત કરતો નથી જેટલો બતાવાય છે.
કથળેલી આર્થિક સ્થિતિ અને મોંઘવારી
આ ચૂંટણીમાં મોંઘવારી અને કથળેલી આર્થિક સ્થિતિ બહુ મોટો મુદ્દો રહી.લગભગ ૮૦ ટકા લોકોએ માન્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં આર્થિક સ્થિતિ નબળી થઈ છે. લોકો વધતી મોંઘવારીથી પરેશાન છે. મતદાતાઓએ આ મુદ્દે કમલા હેરિસને સમર્થન ન આપ્યું. ટ્રમ્પે કથળેલી આર્થિક સ્થિતિને મોટો મુદ્દો બનાવ્યો હતો.
કમલા હેરિસની દાવેદારી મોડી કરાઈ
ડેમોક્રેટ્સે કમલા હેરિસને બહુ મોડી મેદાનમાં ઉતારી. બાઇડેન વધતી ઉંમરના લીધે લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જઈ રહ્યા હતા. તેમણે પક્ષના નેતાઓના ભારે દબાણના લીધે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડી. તેમના સ્થાને નીમાયેલી કમલા હેરિસને ફક્ત ૧૦૦ દિવસ મળ્યા હતા. આટલા ટૂંક સમયમાં આ કામ કરવું તેના માટે અશક્ય હતું. છતાં પણ તેણે મજબૂત લડત આપી હતી.
પરાજય બાદ ફરી સત્તા મેળવનારા ટ્રમ્પ પ્રથમ રિપબ્લિકન
અમેરિકાની ચૂંટણીમાં હારીને ફરી જીતનારા ટ્રમ્પ બીજા પ્રમુખ બન્યા
અગાઉ 1892માં ડેમોક્રેટિક ઉમેદવાર ગ્રોવર ક્લેવલેન્ડ ફરી ચૂંટણી જીત્યા હતા
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો ઈતિહાસ રચ્યો છે. ટ્રમ્પ અમેરિકાના માત્ર બીજા એવા પ્રમુખ છે કે જે પ્રમુખ તરીકેની ટર્મ પૂરી કર્યા પછી હારી ગયા પછી ફરી ચૂંટણી જીતીને પ્રમુખ બન્યા હોય. ટ્રમ્પ ૨૦૧૬માં જીત્યા પછી ૨૦૨૦માં હારી ગયા હતા પણ ૨૦૨૪માં ફરી જીતીને પ્રમુખ બન્યા છે.
આ પહેલાં ગ્રોવર ક્લેવલેન્ડ અમેરિકાના એકમાત્ર એવા ભૂતપૂર્વ પ્રમુખ હતા જે પહેલાં પ્રમુખ બન્યા પણ બીજી ટર્મમાં હારી ગયા હતા. એ પછી ફરી ચૂંટણી લડયા અને જીતીને બીજી વાર પ્રમુખ બન્યા. ગ્રોવર ક્લેવલેન્ડ સળંગ બે ટર્મ પ્રમુખપદે નહોતા રહ્યા પણ ચૂંટણી માટે હાર્યા બાદ પાછા જીતનારા એક માત્ર પ્રમુખ હતા.
ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ હવે આ યાદીમાં ઉમેરાયું છે. ટ્રમ્પ ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટન સામે જીત્યા હતા પણ ૨૦૨૦માં જો બિડેન સામે હારી ગયા હતા. હવે ૨૦૨૪માં તેમણે કમલા હેરિસને હરાવીને ફરી પ્રમુખપદ મેળવ્યું છે.
ક્લેવલેન્ડ ન્યૂયોર્ક સ્ટેટના હતા અને ડેમોક્રેટિક પાર્ટીના હતા. ક્લેવલેન્ડે પ્રમુખપદની ચૂંટણીમાં ૧૮૮૪માં સાંકડી જીત મેળવી હતી પરંતુ ૧૮૮૮માં હારી ગયા હતા. ક્લેવલેન્ડે વધારે લોકપ્રિય મત મેળવ્યા હોવા છતાં ઈલેક્ટોરલ કોલેજમાં બેન્જામિન હેરિસન સામે હારી ગયા હતા. ૧૮૯૨માં ક્લેવલેન્ડને ફરી ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ક્લેવલેન્ડે બેન્જામિન હેરિસનને હરાવ્યા હતા. જે માણસ સામે ક્લેવલેન્ડ ચાર વર્ષ અગાઉ હારી ગયા હતા તેની સામે જીત મેળવીને ક્લેવલેન્ડે પ્રમુખપદે વાપસી કરી હતી.
ટ્રમ્પ બંને વાર મહિલા ઉમેદવારો સામે જીતીને પ્રમુખ બન્યા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી બીજી વાર જીતી છે ત્યારે રસપ્રદ વાત એ છે કે. ટ્રમ્પ બંને વાર મહિલા ઉમેદવાર સામે જ જીત્યા છે. ટ્રમ્પ સામે ૨૦૧૬ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર તરીકે હિલેરી ક્લિન્ટન હતાં. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરીને ઈલેક્ટોરલ કોલેજના માત્ર ૨૨૭ મત મળેલા જ્યારે ટ્રમ્પ ૩૦૪ મત મેળવીને જીતી ગયા હતા. આ વખતની પ્રમુખપદની ચૂંટણીમાં પણ ટ્રમ્પની ટક્કર મહિલા ઉમેદવાર સામે હતી. આ વખતે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર તરીકે કમલા હેરિસ હતાં. અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસને ઈલેક્ટોરલ કોલેજના માત્ર ૨૨૪ મત મળેલા જ્યારે ટ્રમ્પ ૨૭૭ મત મેળવીને જીતી ગયા છે.