ટ્રમ્પે કરી ટ્રુડોની મશ્કરી: 'ગવર્નર' કહીને કર્યું સંબોધન, સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ
Donald Trump Controversial Statement: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં છે. જોકે, હજુ સત્તાવાર રીતે શપથ લેવાની બાકી છે. પરંતુ, ટ્રમ્પ દેશની નીતિઓને અને આગામી યોજનાઓ સુધી ઘણી મોટી પ્લાનિંગ કરી ચુક્યા છે. આ બધાની વચ્ચે હવે તેઓએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોને ગવર્નર કહી દીધાં છે. ટ્રમ્પના આ નિવેદનથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડો સાથે ડિનર કરી ખુશી થઈ. હું જલ્દી જ ગવર્નરને ફરી મળવા ઇચ્છીશ, જેથી અમે ટેરિફ અને ટ્રેડ પર પોતાની ચર્ચા કરી શકીએ. જોકે, ટ્રમ્પે ટ્રુડોને ગવર્નર કેમ કહ્યું તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ટ્રુડોને કેમ કહ્યું ગવર્નર?
ટ્રમ્પની આ પ્રતિક્રિયા બાદથી સવાલ થઈ રહ્યો છે કે, આખરે ટ્રમ્પે ટ્રુડોને ગવર્નર કેમ કહ્યું? મળતી માહિતી મુજબ, ટ્રુડો હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતાં. આ દરમિયાન ટ્રુડોએ ટ્રમ્પના આવાસ પર તેમને સાથે ભોજન લીધું હતું. ટ્રમ્પે ડિનર દરમિયાન ટ્રુડોને ઓફર આપી હતી કે, કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ. જોકે, આ ઓફર મજાકમાં આપવામાં આવી હતી. પરંતુ, ટ્રુડો તેને સાંભળીને અસહજ થઈ ગયાં અને હસવા લાગ્યાં.
આ પણ વાંચોઃ મદદ જોઈતી જ હોય તો અમેરિકાનું એક રાજ્ય બની જાય કેનેડા: ટ્રમ્પની ટ્રુડો સરકારને ધમકી
જણાવી દઈએ કે, ટ્રુડોએ અમેરિકાની મુલાકાત ટ્રમ્પના એલાન બાદ કરી હતી, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે, શપથ લીધા બાદ તે અમેરિકામાં આયાત થતા કેનેડાના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લગાવશે. ટ્રમ્પે કહ્યું હતું કે, કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે આવતા પ્રવાસીઓના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. કારણકે, ટ્રુડો આ પ્રવાસીઓ પર લગામ લગાવવામાં અસફળ રહ્યાં છે.
ટ્રુડોએ ટ્રમ્પને શું કહ્યું હતું?
આ દરમિયાન ટ્રુડોએ ટ્રમ્પને કહ્યું હતું કે, અમેરિકાના આ પ્રસ્તાવિત ટેરિફથી કેનેડાની અર્થવ્યવસ્થા બર્બાદ થઈ જશે. તેના પર ટ્રમ્પે કથિત રીતે કહ્યું હતું કે, જો કેનેડા આ ટેરિફની મારને સહન નથી કરી શકતું, તો તેણે અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ અને ટ્રુડો તેના ગવર્નર બની શકે છે.
આ પણ વાંચોઃ ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવા ટ્રમ્પ મક્કમ, જન્મ સાથે અમેરિકાનું નાગરિકત્વ પણ નહીં મળે
ટ્રુડોને લઈને ટ્રમ્પની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોનો મજાક ઉડાડવા લાગ્યાં અને ટ્રમ્પને શાબાશી આપી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોને ગવર્નર ઑફ ધ ગ્રેટ સ્ટેટ ઑફ કેનેડા કહી દીધું છે. જો કેનેડા અમેરિકાનો ભાગ બની ગયો તો અમેરિકા દુનિયાનો સૌથી મોટો દેશ બની જશે અને આ રીતે તે રશિયાને પણ પાછળ છોડી દેશે.
એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, ટ્રમ્પે ટ્રુડોને ટ્રોલ કરી દીધાં. તેમને ગવર્નર કહી દીધું. આ ગ્રહ પર કોઈપણ ટ્રુડોને પસંદ કરે છે ખરૂં?
એક શખસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે કેનેડાને અમેરિકામાં ભળી જવાનું સમર્થન કરીએ છીએ. ટ્રુડોને ડિપોર્ટ કરી દેવું જોઈએ અને બ્રૉક લેસનરને ગવર્નર બનાવી દેવા જોઈએ.