US Election Results : ટ્રમ્પ કે હેરિસ? 40 વર્ષમાં જેની ભવિષ્યવાણી ક્યારેય ખોટી સાબિત નથી થઈ તેણે બતાવ્યું કોણ જીતશે?
US Election Result 2024: અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચિત્ર થોડા સમય પછી સ્પષ્ટ થશે. અમેરિકનો આગામી ચાર વર્ષ સુધી દેશની કમાન કમલા હેરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપશે. મતદાન બાદ બંને વચ્ચે કોણ જીતશે તે અંગે સતત અટકળો ચાલી રહી છે. હવે આ દરમિયાન એક મોટી ભવિષ્યવાણીએ પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચોંકાવી દીધા છે.
એલન લિફ્ટમેન ભવિષ્યવાણીએ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું
અમેરિકન લેખક અને રાજકીય આગાહીકાર એલન લિફ્ટમેન ભવિષ્યવાણી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં કમલા હેરિસથી હારનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે, એલન લિફ્ટમેનને અમેરિકાના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે. તે ઘણાં દાયકાઓથી ચૂંટણી પરિણામો વિશે અનુમાન લગાવી રહ્યા છે. તેની ભવિષ્યવાણી ક્યારેય ખોટી પડી નથી.
એલન લિફ્ટમેન એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પ પર કમલા હેરિસની લીડની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું, 'તમામ ઓપિનિયન પોલને આગ લગાડવી જોઈએ. હું કહું છું કે અમારી પાસે કમલા હેરિસ હશે. તે આફ્રિકન-એશિયન મૂળની પ્રથમ મહિલા અને પ્રથમ પ્રમુખ બનવા જઈ રહી છે.'
અત્યાર સુધીના પરિણામો
અમેરિકાના પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કેન્ટુકી અને ઈન્ડિયાનામાં જીત મેળવી છે. આ સાથે તેણે વેસ્ટ વર્જિનિયામાં પણ જીત મેળવી છે. પૂર્વ યુએસ પ્રમુખે સ્વિંગ સ્ટેટ જ્યોર્જિયામાં પણ લીડ જાળવી રાખી છે. આ દરમિયાન કમલા હેરિસ સ્વિંગ સ્ટેટ નોર્થ કેરોલિનામાં આગળ છે. તેણે વર્મોન્ટમાં જીત મેળવી છે. અમેરિકામાં હજુ મતદાન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: હિજાબના વિરોધમાં નિર્વસ્ત્ર થઇને દેખાવો કરનારી વિદ્યાર્થીની ગુમ! ઈરાનમાં ચર્ચાનો વિષય બની
અમેરિકા ચૂંટણી માટેના તાજેતરના સર્વેક્ષણોમાં મતદારોએ લોકશાહી અને અર્થતંત્રને મોટા મુદ્દા ગણાવ્યા છે. લગભગ ત્રીજા ભાગના લોકોએ તેને ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ સાથે ગર્ભપાત અને ઇમિગ્રેશન પણ મહત્ત્વના મુદ્દા તરીકે ઉભરી આવ્યા છે. સર્વેમાં બહાર આવ્યું છે કે 73 ટકા ઉત્તરદાતાઓ માને છે કે લોકશાહી જોખમમાં છે, જ્યારે માત્ર 25 ટકા માને છે કે તે સુરક્ષિત છે.