અમેરિકન કોર્ટનો ગુજરાતી વેપારીને ચાર ભાઈઓને 20,000 કરોડ ચૂકવવા આદેશ
- અમેરિકામાં પાંચ જોગાણી ભાઈઓ વચ્ચે 21 વર્ષ જૂનો સંપત્તિ વિવાદ
- શશિએ 2003માં હરેશ જોગાણી વિરુદ્ધ કેસ કર્યો હતો : હરેશને 17,000 એપાર્ટમેન્ટના સામ્રાજ્યના શૅર્સ વહેંચવા પણ આદેશ
લોસ એન્જલસ : અમેરિકામાં લોસ એન્જેલસની કોર્ટે ગુજરાતી મૂળના પાંચ ભાઈઓનો ૨૧ વર્ષ જૂના કાનૂની કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અમેરિકામાં હીરા અને લોસ એન્જેલસમાં રિયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાની સંપત્તિની એકત્ર કરનારા પાંચ ભાઈઓમાંથી હરેશ જોગાણીને અમેરિકન કોર્ટે અન્ય ચાર ભાઈઓ શશિકાંત, રાજેશ, ચેતન અને શૈલેષ જોગાણીને ૨.૫ અબજ ડોલર એટલે કે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે હરેશ જોગાણીને દક્ષિણ કેલિફોર્નિયાની મિલકતના શૅર્સ પરસ્પર વહેંચવા પણ આદેશ આપ્યો છે. આ મિલકતમાં ૧૭,૦૦૦ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.અમેરિકામાં હરેશ જોગાણીએ તેમના ભાઈઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીનો ભંગ કર્યો હોવાના આરોપ હેઠળ આ કેસ ચાલતો હતો. પાંચ મહિનાની શ્રેણીબદ્ધ સુનાવણી પછી જ્યુરીએ આ સપ્તાહે હરેશ જોગાણીને તેમના ભાઈઓને વળતર આપવા આદેશ આપ્યો હતો. આ સાથે આ ચૂકાદો અમેરિકન ન્યાયિક ઈતિહાસમાં દાયકાઓમાં સૌથી મોટા ચૂકાદામાંનો એક હોઈ શકે છે.
ગુજરાતના પ્રખ્યાત હિરા વેપારી પરિવારે તેમનો કારોબાર યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ અને અમેરિકા સુધી ફેલાવ્યો તથા ઉત્તરી અમેરિકામાં પોતાનો બેઝ બનાવ્યો. વર્ષ ૨૦૦૩માં નોંધાવેલી એક ફરિયાદ અનુસાર શશિકાંત ઉર્ફે શશિ જોગાણી ૧૯૬૯માં ૨૨ વર્ષની વયે કેલિફોનયા આવ્યા હતા. જ્યાં તેમણે સિંગલ કંપની તરીકે હીરા અને રીયલ એસ્ટેટનો કારોબાર શરૂ કર્યો.
૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં મંદી આવતા શશિ જોગાણીને ભારે નુકસાન થયું અને પછી ૧૯૯૪ના ભૂકંપ પછી સ્થિતિ વધુ કથળી હતી, જેને પગલે તેમણે ભાઈઓને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા હતા. ત્યાર પછી હરેશ અને તેમના પરિવારે કારોબારમાં ખરીદીની શ્રેણી શરૂ કરી અને ૧૭,૦૦૦ એપાર્ટમેન્ટનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું.
જોકે, આ કેસની ફરિયાદ મુજબ એક દિવસ હરેશે તેમના ભાઈઓને બળજબરીથી કંપનીના મેનેજમેન્ટમાંથી કાઢી મુક્યા અને ભાગ આપવાનો પણ ઈનકાર કરી દીધો. હરેશ જોગાણીએ તર્ક કર્યો કે લેખિત સમજૂતી વિના તેમના ભાઈ એ સાબિત ના કરી શકે કે તેમની વચ્ચે ભાગીદારી હતી. પરંતુ સાક્ષીઓને સાંભળ્યા પછી જ્યુરીએ નોંધ્યું હતું કે, હરેશે મૌખિક કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો હતો. શશિ જોગાણીના વકીલ સ્ટીવ ફ્રીડમેને દલીલ કરી હતી કે ગુજરાતીઓ અને હીરા વેપારીઓમાં મૌખિક કોન્ટ્રાક્ટ થાય છે, જે લેખિત કોન્ટ્રાક્ટ જેટલો જ મૂલ્યવાન છે.
જ્યુરીએ નિષ્કર્ષ કાઢ્યો કે, હવે ૭૭ વર્ષના થઈ ગયેલા શશિ પાસે રિયલ એસ્ટેટ ભાગીદારીમાં ૫૦ ટકા છે. ત્યાર પછી ૨૪ ટકા હિસ્સો હરેશનો, ૧૦ ટકા રાજેશનો, ૯.૫ ટકા શૈલેષનો અને ૬.૫ ટકા હિસ્સો ચેતનનો છે. હરેશ દ્વારા હીરાની ભાગીદારીના ઉલ્લંઘન પર ભાઈઓ ચેતન અને રાજેશને ૧૬.૫ કરોડ ડાલરનું વળતર અપાવ્યું. સાથે જ રિયલ એસ્ટેટ ભાગીદારીના ઉલ્લંઘન બદલ શશિને ૧.૮ અબજ ડાલર અને ચેતનને ૨૩.૪ કરોડ ડાલર તથા રાજેશને ૩૬ કરોડ ડાલરનું વળતર અપાવ્યું છે. આ કેસ વર્ષ ૨૦૦૩માં દાખલ કરાયો હતો અને લોસ એન્જેલસ સુપીરિયર કોર્ટમાં ૧૮ અપીલો કરાઈ હતી.