કોલા-કોકોનટ સાથે પ્રતિબંધિત નોર્થ સેન્ટિનેલ ટાપુ પર ગયેલાં અમેરિકનની ધરપકડ
અમેરિકન યુવાને ત્રીજીવારમાં સફળતા મળી !
છેલ્લે 2018માં ટાપુની મુલાકાત લેનાર અમેરિકન મિશનરીને સેન્ટિનેલીઝ આદિવાસીઓએ મારી નાંખેલો
પોર્ટ બ્લેર: આંદામાન-નિકોબાર દ્વિપસમૂહ પર આવેલાં પ્રતિબંધિત નોર્થ સેન્ટેીનેલ ટાપુ પર જઇ જેમના અસ્તિત્વ પર જોખમ છે તેવા સેન્ટીનેલીઝ આદિવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરનાર ૨૪ વર્ષના અમેરિકન પ્રવાસી યુવાન મિખાઇલા વિક્ટરોવીચ પોલ્યાકોવની સીઆઇડીએ ૩૧ માર્ચે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અમેરિકન યુવાન કોઇ મંજૂરી વિના જ નોર્થ સેન્ટિનેલ ટાપુ પર પ્રવેશ્યો હતો. સેન્ટિનેલિઝ આદિવાસીઓ દુનિયાના છેલ્લા પ્રિ-નિયોલિથિક આદિવાસીઓ ગણાય છે જેઓ સભ્ય સમાજના સંપર્કમાં નથી.
પોલીસે જણાવ્યું હતું કે આ યુવાન ૨૬ માર્ચે પોર્ટ બ્લેર આવ્યો હતો અને કુમાર દેરા બીચ પરથી નોર્થ સેન્ટિનેલ ટાપુ પર જવા તેની બોટમાં રવાના મધરાતે એક વાગ્યે નાળિયેર અને કોલાના કેન સાથે રવાના થયો હતો. તે નોર્થ સેન્ટિનેલ ટાપુ પર સવારે દસ વાગ્યે પહોંચ્યો હતો.
ટાપુ પર જઇ તેણે દૂરબીનથી સમગ્ર વિસ્તારનો સર્વે કર્યો હતો પણ તેને કોઇ આદિવાસી દેખાયો નહોતો.તેણે એક કલાક સુધી બોટમાં રાહ જોયા બાદ પાંચ મિનિટ માટે બીચ પર ઉતર્યો હતો. તેણે નાળિયેર અને કોલાને બીચ પર મુકી રેતીના નમૂના એકત્ર કરી વિડિયો બનાવી પોતાની બોટ પર પાછો ફર્યો હતો. બપોરે એક વાગ્યે પરત આવવા રવાના થયેલો અમેરિકન સાંજે સાત વાગે કુર્મા દેરા બીચ પર પહોંચતાં જ સ્થાનિક માછીમારે તેને જોયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ તેની પહેલી મુલાકાત નહોતી. અગાઉ પણ તે આંદામાન નિકોબાર ટાપુની મુલાકાત લઇ ચૂક્યો હતો. તેણે આ પ્રવાસ માટે પૂરી તૈયારી કરી હતી અને તે જીપીએસ નેવિગેશનનો ઉપયોગ કરી પ્રતિબંધિત ટાપુ પર પહોંચ્યો હતો. ગયા ઓક્ટોબર તથા જાન્યુઆરીમાં પણ તેણે પોતાની મુલાકાત દરમ્યાન જરાવા આદિવાસીઓનો ગેરકાયદે વિડિયો ઉતાર્યો હતો. પોલીસે તેની સામે એફઆઇઆર નોંધી વધુ તપાસ માટે તેને પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે.
છેલ્લે આ ટાપુની મુલાકાત અમેરિકન મિશનરી જ્હોન એલન ચાઉએ લીધી હતી. ૨૦૧૮માં તેણે સેન્ટિનેલિઝનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને સેન્ટિનેલ આદિવાસીઓએ મારી નાંખ્યો હતો. તેનો મૃતદેહ ટાપુ પર જ દફન થઇ પડયો છે.