ઇરાનનાં પીઠબળવામાં જૂથે કરેલા હુમલાનો અમેરિકા કટ્ટર જવાબ આપશે : જો બાયડેન
- તેલ-સમૃદ્ધ-મધ્યપૂર્વમાં ઠેર-ઠેર ભડકા જાગે છે
- જોર્ડનના ઉત્તર-પૂર્વ ભાગે રહેલી અમેરિકન સૈનિકોની છાવણી પરના ડ્રોન હુમલામાં ૩ સૈનિકો માર્યા ગયા, અને ડઝન બંધ ઘવાયા હતા
કોલંબિયા, (યુ.એસ.) : ઉત્તર-પૂર્વ જોર્ડનની સીરિયા સાથેની સરહદ પાસે રહેલી અમેરિકી સૈનિકોની છાવણી ઉપર રવિવારે રાત્રે થયેલા ડ્રોન હુમલામાં ૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ડઝન બંધ ઘવાયા છે. આ માટે પ્રમુખ બાયડેને ઇરાનનાં પીઠબળવામાં આતંકી જૂથ ઉપર આક્ષેપ કરતાં કહ્યું છે કે, અમેરિકા આ હુમલાનો કટ્ટર જવાબ આપશે.
પ્રમુખ બાયડેન અત્યારે દક્ષિણ કેરોલિનાની મુલાકાતે છે. તેઓએ અહીં પોતાના પ્રવચનના પ્રારંભ પૂર્વે બેપ્સિસ્ટ-ચર્ચમાં ગયા હતા અને ઉપસ્થિત સર્વેને તે દિવંગત સૈનિકોની સ્મૃતિમાં એક મિનિટનું મૌન પાળવા જણાવ્યું હતું સાથે તેઓએ તો મૌન રાખ્યું જ હતું.
આ પછી આપેલાં પોતાનાં વક્તવ્યમાં પ્રમુખે કહ્યું હતું કે ગઈકાલનો દિવસ આપણા માટે એક કઠોર દિવસ બની રહ્યો છે. ગઇકાલે રાત્રે આપણાં મથકો ઉપર થયેલ. ડ્રોન હુમલામાં આપણે ત્રણ બહાદૂર સૈનિકો ગુમાવ્યા છે.
જોકે, આ હુમલા ક્યાં જૂથે કર્યા હતા, તે હજી નિશ્ચિત થઈ શક્યું નથી, પરંતુ પેન્ટાગોનના અધિકારીઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે તે હુમલો ઈરાનનાં પીઠબળ ધરાવતાં કોઈ જૂથે જ કર્યો હશે. આ અનુમાન અમે તે હુમલાની પદ્ધતિ અને તે માટે ચૂંટેલા સમય ઉપરથી બાંધીએ છીએ.
આ અંગે પ્રમુખ બાયડેને એક લિખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા તે (હુમલા) માટે જવાબદારો ઉપર પોતાને અનુકૂળ રહે તેવા સમયે અને તેવાં સ્થળે કટ્ટર જવાબ આપશે, અમેરિકા તેમને છોડશે નહીં.
તાજેતરમાં થયેલી શસ્ત્ર-ક્રિયા પછી પોતાનો કાર્યભાર સંભાળી રહેલા સંરક્ષણમંત્રી લોઇડ ઓસ્ટિને કહ્યું હતું કે, આપણાં દળો અને આપણાં હિતોની રક્ષા માટે અમેરિકા જરૂરી તેવાં તમામ પગલાં લેશે જ.
નિરીક્ષકો માને છે કે તે આતંકી-જૂથે કદાચ અમેરિકાને ડરાવવા માટે કે હમાસ-ઇઝરાયલ યુદ્ધમાં ઇઝરાયલને પૂરેપૂરી સહાય કરવા માટે સજા કરવા આ પગલું ભર્યું હશે. પરંતુ તેઓ ભૂલે છે કે દુનિયાની સૌથી સબળ લશ્કરી તાકાત સામે પનારા પાડવાં નાની-માના ખેલ નથી. તેઓ તે પણ ભૂલે છે કે અમેરિકા મધ્યપૂર્વમાં સીધી જ લશ્કરી કાર્યવાહી કરવા માટે બહાનું શોધે છે. આવાં આતંકી કૃત્યો અમેરિકાને બહાનું આપી દે છે.
મધ્યપૂર્વમાં પશ્ચિમ-દક્ષિણે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ ચાલે છે. પશ્ચિમે લેબેનોન-ઇઝરાયેલ યુદ્ધ ચાલે છે. તેવામાં મધ્યપૂર્વનાં દક્ષિણ-પશ્ચિમમાં છેડાનાં દક્ષિણ ભાગે આવેલાં જોર્ડનમાં હુમલા કરી આતંકીઓ સામે ચાલી સંઘર્ષ નોતરે છે. આમ તેલ સમૃદ્ધ મધ્ય-પૂર્વમાં ઠેર-ઠેર ભડકા જાગી રહ્યાં છે.