જાપાને વિશ્વમાં પ્રથમ વાર બનાવેલો લાકડાનો સેટેલાઇટ અમેરિકા લોંચ કરશે
વુડન સેટેલાઇટ એક્ષપાયર થયા પછી સ્પેસમાં જ સંપૂર્ણ બળી જશે
મોંગાલિયાના ખાસ મજબૂત લાકડાથી સેટેલાઇટનું નિર્માણ કરાયું
ટોકયો,૨૪ ફેબુ્આરી,૨૦૨૪,શનિવાર
જાપાનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો સૌ પ્રથમ વુડન સેટેલાઇટ તૈયાર કરીને ઇતિહાસ સર્જયો છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ મુજબ લાકડામાંથી બનાવેલો સેટેલાઇટ ટુંક સમયમાં જ અમેરિકાના રોકેટની મદદથી અવકાશમાં લોંચ કરવામાં આવશે તેના માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. લાકડાનો સેટેલાઇટ જાપાનની કયોટો યુનિવર્સિટીના એરોસ્પેસ એન્જિનિયર્સની મહેનતનું પરિણામ છે.
આ સેટેલાઇટનું નામ લિગ્રોસેટ રાખવામાં આવ્યું છે. સેટેલાઇટ તૈયાર કરવા માટે વિશિષ્ટ પ્રકારનું લાકડું મોંગોલિયાથી મંગાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંતરિક્ષમાં વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વુડન સેટેલાઇટ ખૂબજ ઉપયોગી સાબીત થશે. સ્પેસમાં અનેક દેશોના સેટેલાઇટસ છે. આ સેટેલાઇટસ એક્ષપાયર થાય પછી તેનો નાશ થાય છે.
નાશ દરમિયાન તેના કેટલાક ટુકડા પૃથ્વી પર પડવાની શકયતા રહે છે. કેટલાક ટુકડા અવકાશમાં પણ તરતા રહે છે જે સ્પેસ અભિયાનના યાનો માટે જોખમી બને છે. વુડન સેટેલાઇટ અત્યંત મજબૂત હોય છે. ઉપયોગ પુરો થાય પછી અવકાશમાં જ સંપૂર્ણ બળી જાય છે આથી પ્રદૂષણ થતું નથી.
કયોટો યુનિવર્સિટીના એન્જીનિયરના જણાવ્યા અનુસાર લાકડું બાયો ડિગ્રેબલ હોય છે જે સ્પેસના પર્યાવરણને માફક આવે છે. પરંપરાગત રીતે મેટલથી તૈયાર થતા સેટેલાઇટ્સના ટુકડા પૃથ્વી પર આવવાની શકયતા રહે છે. પૃથ્વીના વાયુમંડળમાં મેટલ બળીને ખાખ થાય તે પછી નાના એલ્યુમિના કણ બને છે. આ કણ વાયુમંડળની સપાટી પ વર્ષો સુધી ફરતા રહે છે. આ કણોની અસર પૃથ્વીના પર્યાવરણ ઉપર પણ થાય છે.
મેટલના સેટેલાઇટસના અવશેષો ઓઝોન સ્તર માટે જોખમી
દૂર સંચાર અને પ્રસારણ માટે મોટા ભાગના દેશો સેટેલાઇટ સેવાથી જોડાયેલા છે. સ્પેસમાં સેટેલાઇટસ છોડવાની ઇન્ડસ્ટ્રીઝ વિકસિત થઇ છે. આવનારા સમયમાં વર્ષે ૨ હજારથી વધુ સેટેલાઇટ લોંચ થતા હોય તેવી શકયતા છે. સેટલાઇટના વેસ્ટથી વાયુમંડળમાં પુષ્કળ પ્રમાણમાં એલ્યુમીનિયમમાં જમા થઇ શકે છે. કેટલાક સંશોધકોનો દાવો છે કે આનાથી અલ્ટ્રાવાયોલેટ રે થી પૃથ્વીને બચાવતું ઓઝોન લેયર પણ નબળું પાડે છે. તેની સરખામણીમાં વુડન સેટેલાઇટસ સ્પેસ ફેન્ડલી છે.