ટ્રકથી કચડી નાખવાની ઘટના બાદ હવે અમેરિકાની રાજધાનીમાં અંધાધૂંધ ગોળીબાર, 4 ઈજાગ્રસ્ત
Firing America: અમેરિકામાં ટ્રક દ્વારા કચડી નાખવાની ઘટના બાદ હવે વોશિંગ્ટન ડીસીમાં ગોળીબારની ઘટના સામે આવી છે. શુક્રવારે (ત્રીજી જાન્યુઆરી) રાત્રે થયેલા ફાયરિંગ બાદ 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ફાયરિંગની ઘટના હેરી થોમસ વે નોર્થઈસ્ટના 1500 બ્લોકમાં બની હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
અહેવાલો અનુસાર, હુમલા બાદ બે પીડિતોને ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયરિંગ દરમિયાન નાસભાગ મચી જવાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જે જગ્યાએ ગોળીબાર થયો હતો ત્યાં મોટાભાગે મોટી ભીડ જોવા મળે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે તહેનાત છે અને ઘટના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યાનુસાર, હુમલાખોર વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. નજીકમાં હાજર લોકોની પૂછપરછની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
નવા વર્ષની ઉજવણી કરતા લોકોને ટ્રકે કચડ્યા
અમેરિકામાં ગોળીબારની આ ઘટના એવા સમયે બની છે જ્યારે ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રક ચાલકે લોકોને કચડી નાખ્ય હતા. હુમલાખોરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક વડે હુમલો કર્યો, જેમાં 14 લોકોના મૃત્યું થયા હતા. જવાબી કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઠાર માર્યો હતો.
એફબીઆઈના જણાવ્યાનુસાર, 42 વર્ષીય શમસુદ્દીન જબ્બરે આ હુમલો કર્યો હતો. તેણે અગાઉ યુએસ સૈન્યમાં સેવા આપી હતી અને તાજેતરના વર્ષોમાં તે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ હુમલો આતંકવાદીઓ દ્વારા સુનિયોજિત હુમલો હતો.