આગથી રમત સારી નહીં, યાદ રાખજો હુમલો કર્યો તો...: અમેરિકાની ઈરાનને ચેતવણી
America warns Iran: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયેહની હત્યા બાદથી જ ઈરાન ઈઝરાયલથી બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. જોકે હજુ સુધી ઈઝરાયલે આ હત્યાની જવાબદારી લીધી નથી. બીજી તરફ ઈઝરાયલ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે ઈરાન હુમલો કરશે તો અમારી સેના શાંત નહીં રહે. એવામાં સતત વધતાં તણાવની વચ્ચે અમેરિકાએ ચેતવણી આપી છે.
ગંભીર પરિણામ ભોગવવા પડશે
અમેરિકાએ કહ્યું છે કે જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપતા કહ્યું છે, કે 'ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ થઈ શકે છે. ગાઝા સંઘર્ષમાં પણ શાંતિવાર્તાની સંભાવનાઓ પર ખતરો ઊભો થશે.'
ગાઝામાં થશે યુદ્ધવિરામ?
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ગાઝા મુદ્દે સકારાત્મક સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે, કે '10 મહિનાની લાંબી લડત બાદ હવે યુદ્ધ વિરામની સંભાવના પહેલા કરતાં વધુ છે. અમેરિકાએ બે દિવસની વાતચીત દરમિયાન કતારમાં એક ભલામણ રજૂ કરી છે જે બંને પક્ષોમાં મતભેદ ઓછા કરવામાં મદદરૂપ થઈ શકે છે.'
બે દેશો વચ્ચે સતત વધતો તણાવ
નોંધનીય છે કે ઈરાને ઈઝરાયલને હુમલો કરવા અંગે કડક ચેતવણી આપી હતી. જે બાદ ઈઝરાયલના વિદેશ મંત્રીએ બ્રિટન અને ફ્રાંસના વિદેશમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ઈઝરાયલનો પ્રયાસ છે કે જો ઈરાન તેમના પર હુમલો કરે તો બ્રિટન અને ફ્રાંસ ઈરાન પર હુમલો કરીને વળતો જવાબ આપે.