'નવેલનીના મૃત્યુ માટે પુતિન જવાબદાર, અમને મૂર્ખ ન બનાવે..' રશિયાના પ્રમુખ પર બાઈડેન ભડક્યાં
એલેક્સી નવેલની રશિયન રાષ્ટ્રપતિના કટ્ટરવિરોધી મનાતા હતા, જેલમાં તેઓ મૃત્યુ પામી ગયાના અહેવાલ
Alexei Navalny Death News : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવેલની જેલમાં મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું છે. નવેલની ઉગ્રવાદના આરોપમાં 19 વર્ષની સજા ભોગવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું જેલમાં જ મૃત્યુ થઈ ગયું જેને અનેક લોકો દ્વારા હત્યા ગણાવવામાં આવી રહી છે. હવે આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે રાષ્ટ્રપતિ પુતિન સામે રોષ વ્યક્ત કર્યો હતો.
શું બોલ્યા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નવેલનીના જેલમાં મૃત્યુ બદલ રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું કે નવેલની સાથે જે થયું તે પુતિનની ક્રૂરતાનો પુરાવો છે અને હવે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ.
અમે પુતિનની ક્રૂરતાથી વાકેફ
રાષ્ટ્રપતિ બાઈડેને વધુમાં કહ્યું કે જો તેમના મૃત્યુના સમાચાર સાચા છે અને અને મને વિશ્વાસ પણ છે કે આ સમાચાર સાચા જ હશે કેમ કે અમે પુતિનની ક્રૂરતા જાણીએ છીએ અને યુક્રેન તેનું ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે હવે રશિયાના અધિકારીઓ જ આ ઘટના વિશે સત્ય જણાવશે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે નવેલનીના મૃત્યુ માટે પુતિન જવાબદાર છે.