VIDEO : અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી
Image : IANS |
US Former President Donald Trump Firing News | અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન જ અચાનક એક યુવકે ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટનામાં ટ્રમ્પનો હેમખેમ બચાવ થયો હતો.
તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત...
ટ્રમ્પને જમણા કાન પર ગોળી વાગી હતી અને સ્પર્શીને નીકળી ગઇ હતી. જો ગોળી 2 સેન્ટિમીટર પણ અંદર તરફ આવી હોત તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત. જેવી જ પહેલી ગોળી ચાલી ટ્રમ્પે કહ્યું કે ઓહ અને કાન પકડી લીધાં કેમ કે તેના પછી વધુ બે ગોળીઓ ચલાવાઈ હતી. વીડિયોમાં તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ટ્રમ્પ જીવ બચાવવા માટે નીચે નમી ગયા હતા.
હુમલાથી ડરી ગયા ટ્રમ્પ કહ્યું - જાણે ગોળી મારા કાનથી...
આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એવું લાગ્યું કે ગોળી જાણે તેમના કાનથી આર પાર થઈ ગઇ હતી. ટ્રમ્પ પછી ઊભા થયા અને જમણા હાથને ચહેરા તરફ આગળ વધારે છે. તેમના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તે પાછા ઊભા થયા અને મુઠ્ઠી બાંધી તો ભીડે જોશથી નારા લગાવ્યા.
આ પણ વાંચો : મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?
વ્હાઈટ હાઉસને જાણકારી અપાઈ
અહેવાલ અનુસાર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી ટ્રમ્પના નીકળી ગયા બાદ તાત્કાલિક પોલીસે ચાર્જ સંભાળ્યો હતો અને ઘટનાસ્થળને ખાલી કરાવવાની શરૂઆત કરી હતી. વ્હાઈટ હાઉસે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પ્રમુખ જો બાઈડેનને આ ઘટના વિશે જાણકારી અપાઈ છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ સેક્રેટરી સર્વિસના નિર્દેશક કિમ્બર્લી ચીટલ, હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી એલેક્ઝાન્દ્રો મેયરકાસ અને વ્હાઈટ હાઉસની હોમલેન્ડ સિક્યોરિટી સલાહકાર લિઝ શેરવૂડ રેન્ડલથી અપડેટ બ્રીફિંગ લીધી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પ પર ફાયરિંગ અંગે ભારતીય રાજનેતાઓની પ્રતિક્રિયા, PM મોદીએ કહ્યું- 'મિત્ર પર હુમલાથી ચિંતિત'
શૂટર વિશે શું બોલ્યાં ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા બાદ કહ્યું કે, ‘હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો ગોળીબાર મામલે ઝડપી પ્રતિક્રિયા આપવા બદલ આભાર માનવા માંગુ છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે રેલીમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. મને તો માનવામાં નથી આવતું કે આ આપણા દેશમાં થઈ શકે છે, હું શૂટર વિશે કંઈપ ણ જાણતો નથી જે હવે મરી ગયો છે.’