યમનમાં રાતો સમુદ્ર બન્યું યુદ્ધનો મેદાન, US-બ્રિટનના સૈન્યએ હુથી બળવાખોરો પર કર્યો બોમ્બમારો
સેનાએ ટોમહોક મિસાઈલો અને લડાકૂ જેટ વિમાનોનો ઉપયોગ કરી બળવાખોરોના લોજિસ્ટિક્સ હબ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના ભંડારને નિશાન બનાવ્યા
US and UK Attack on Houthi | ઈઝરાયલ અને હમાસ વચ્ચેના (Israel vs Hamas war Updates) યુદ્ધમાં હવે વધુમાં વધુ વિસ્તારોમાં લપેટમાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર અત્યાર સુધી યમનમાં સક્રિય હુથી વિદ્રોહીઓ જે રીતે સમુદ્રમાંથી ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને નિશાન બનાવી રહ્યા હતા હવે તેનાથી અકળાઈને અમેરિકા અને બ્રિટને હુથીઓ સામે જવાબી કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.
અમેરિકા-બ્રિટનની સેના થઈ સક્રિય
માહિતી અનુસાર અમેરિકા અને બ્રિટનની સેનાએ ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને સેનાએ હુથીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ડઝનેક સ્થળોએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો. સેનાએ ટોમહોક મિસાઈલો અને લડાકૂ જેટ વિમાનોનો ઉપયોગ કરી બળવાખોરોના લોજિસ્ટિક્સ હબ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના ભંડારને નિશાન બનાવ્યા હતા.
વ્હાઈટ હાઉસ તરફથી અપાઈ હતી ચેતવણી!
હુથી બળવાખોરો વિરુદ્ધ અમેરિકા અને બ્રિટનના સૈન્યની આ પહેલી કાર્યવાહી છે. વ્હાઈટ હાઉસ તરફથી હુથી બળવાખોરોને પહેલાથી જ હુમલા બંધ કરવા ચેતવણી આપી દેવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ બળવાખોરોને હુમલો કરવા માટે પ્રસ્તાવ પસાર કરાયો હતો. જેની અસર થોડા દિવસો દેખાઈ પરંતુ પછીથી ફરી હુમલા કરવાની શરૂઆત થઇ ગઇ હતી. હુથીઓએ અત્યાર સુધીના સૌથી મોટા હુમલા કર્યા હતા. જેના પછી હવે જવાબી કાર્યવાહીમાં અમેરિકા અને બ્રિટનના સૈન્યએ 18 ડ્રોન, બે ક્રૂઝ મિસાઈલ અને એક એન્ટી શિપ મિસાઈલ તોડી પાડી હતી.