ટ્રમ્પની હત્યાના કાવતરાંનો પર્દાફાશ, સોપારી લેનારા 2ની ધરપકડ, કયા દેશ પર લાગ્યો આરોપ
Donald Trump and Iran Plot News | અમેરિકાના ન્યાય વિભાગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના નિષ્ફળ ઈરાની કાવતરાંના ગુનાઈત આરોપોનો પર્દાફાશ કર્યો. મેનહેટ્ટનમાં કોર્ટમાં દાખલ કરાયેલી ગુનાઈત ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ના એક અધિકારીએ એક વ્યક્તિને ટ્રમ્પ પર નજર રાખવા અને તક મળતાં જ તેમને મારી નાખવાનો પ્લાન ઘડવા કહ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં આ સોપારી આપવામાં આવી હતી.
પછી ચૂંટણી સુધી પ્લાન ટાળ્યો...
માહિતી અનુસાર જ્યારે ફરઝાદ શાકેરી નામની વ્યક્તિએ ટ્રમ્પની હત્યા માટે કોઈ પ્લાન ન ઘડ્યો તો ઈરાની અધિકારીએ તેને ચૂંટણી સુધી આ પ્લાન પડતો મૂકવા કહી દીધું હતું કેમ કે તેનું માનવું હતું કે ટ્રમ્પ હારી જશે અને ત્યારપછી તેમની હત્યા કરવી સરળ રહેશે.
શાકેરી ફરાર, ઈરાનમાં છુપાયો હોવાની શક્યતા
અમેરિકાના ન્યાય વિભાગે 51 વર્ષીય શાકેરીને ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડનો એજન્ટ ગણાવતાં કહ્યું કે તે એક બાળક તરીકે અમેરિકા આવ્યો હતો અને ડકૈતીના આરોપ બાદ 2008માં તેને દેશમાંથી કાઢી મૂકાયો હતો. ફરિયાદીએ કહ્યું કે શાકેરી ફરાર છે અને એવું મનાય છે કે તે ઈરાનમાં છુપાયો હોઈ શકે છે.
આ બે આરોપીઓની ધરપકડ...
અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું કે શાકેરીએ ન્યુયોર્કના નિવાસી કાર્લિસ્લે રિવેરા અને જોનાથન લોડહોલ્ટ સાથે મુલાકાત કરી તેમને કાવતરાંમાં સામેલ કરી લીધા હતા અને તેમને ટ્રમ્પની સોપારી આપી હતી. રિવેરા અને લોડહોલ્ડ બંનેને કેસ ચાલે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમના વકીલોએ અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી.