...એ તો હિલેરી ક્લિન્ટનની નોકરાણી છે', કમલા અંગે અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદના નિવેદનથી ખળભળાટ
Tulsi Gabbard Targets Kamala Harris: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી જો બાઈડેન દૂર થઈ ગયા છે. જો બાઈડેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. જો કે ડેમોક્રેટ્સ દ્વારા કમલા હેરિસના નામને હજુ સુધી સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. બીજી બાજુ અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે કમલા હેરિસ અંગે સનસનાટીભર્યો દાવો કરીને હલચલ મચાવી દીધી છે. તુલસીએ વીડિયો રજૂ કરી કમલા હેરિસને હિલેરી ક્લિન્ટનની નોકરાણી ગણાવી છે.
વીડિયોમાં કમલાને ખતરનાક દર્શાવી
પૂર્વ કોંગ્રેસ વુમન તુલસી ગબાર્ડે કમાલ હેરિસની ઉમેદવારીના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જો કમલા રાષ્ટ્રપતિ બની તો તે અમેરિકા માટે અત્યંત ખતરનાક ગણાશે. ગબાર્ડનું માનવુ છે કે, કમલા હેરિસ રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ બનવા લાયક નથી. તેનું નેતૃત્વ અમેરિકા માટે ભયાવહ સાબિત થશે. તુલસી ગબાર્ડે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
કમલા હેરિસ બનશે અમેરિકાના પ્રમુખ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ 'ધ સિમ્પસન્સ'ની એક ઔર ભવિષ્યવાણી
વીડિયો પોસ્ટમાં તુલસી ગબાર્ડે કહ્યું કે, બાઈડેન બહાર, કમલા અંદર, પરંતુ છેતરાશો નહીં. નીતિઓ બદલાશે નહીં. જેમ બાઈડેન પોતે નિર્ણયો લઈ શક્યા નહીં, તેમ કમલા હેરિસ પણ નહીં લે. તે ડી સ્ટેટનો નવો ચહેરો અને હિલેરી ક્લિંટનની નોકરાણી છે. જે યુદ્ધના દલાલોની સરદાર છે. તે આખી દુનિયામાં યુદ્ધ કરાવવા અને આપણી આઝાદી છીનવી લેવાના પ્રયાસો જારી રાખશે.
તુલસીએ કમલા પર અનેક આક્ષેપો કર્યા
2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર રહી ચૂકેલા તુલસી ગબાર્ડે કમલા હેરિસ પર સવાલો ઉઠાવતાં કહ્યું કે, તે યુદ્ધ અને શાંતિ જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશે નહીં? અમેરિકાના સૈનિકોને જોખમમાં નાખવાનો નિર્ણય કેવી રીતે લઈ શકશે? તેમનું માનવું છે કે, કમલા હેરિસના ખતરનાક નિર્ણયો અમેરિકાના પ્રત્યેક નાગરિકોએ ભોગવવા પડશે. તુલસી ગબાર્ડે કમલા હેરિસ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે સમાનતા દર્શાવતાં કહ્યું છે કે, ક્લિન્ટન વિશે જે ટીકાઓ કરવામાં આવી હતી, તે જ હેરિસ પર પણ લાગૂ થાય છે. તુલસીએ ક્લિન્ટનને યુદ્ધકારોની સરદાર કહી હતી.
કમલા યુદ્ધના દલાલોની સરદાર બનશે
તુલસી ગબાર્ડનું માનવું છે કે, જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બની તો તે યુદ્ધના તે દલાલોની નોકરાણી બનીને રહેશે. જો બાઈડેન પણ આ દલાલોના ગુલામ હતા. તુલસી ગબાર્ડે અમેરિકન્સને 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં કમલા હેરિસની વિરૂદ્ધમાં મતદાન કરવા અપીલ કરી છે. તેમણે શાંતિ અને સ્વતંત્રતા અપનાવવા તેમજ પોતાના દેશથી પ્રેમ કરવાના મહત્ત્વ પર જોર કર્યું છે.