'ધરતીના દરેક ખૂણા સુધી પીછો કરીશું...' FBIના વડા બનતાં જ કાશ પટેલની ચેતવણી
FBI Chief Kash Patel: ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કાશ પટેલે અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો આભાર માન્યો. તેમણે એજન્સીને પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત FBIમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા વિશે વાત કરી.
કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ મળવા બદલ હું સન્માનિત છું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તેમના અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. એફબીઆઈનો લાંબો વારસો છે. જી-મેનથી લઈને 9/11 પછી આપણા દેશનું રક્ષણ કરવા સુધી. અમેરિકન લોકો એવી FBIને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. પણ તે આજે સમાપ્ત થાય છે.'
એફબીઆઈ વડા બનતાની સાથે જ કાશે ઇતિહાસ રચ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય મૂળના કાશ પટેલને મોટી જવાબદારી મળી. કાશ પટેલને FBIના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમણે ભારતીય મૂળના પ્રથમ FBI વડા બનીને ઈતિહાસ રચ્યો છે. તેમના નામને યુએસ સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ જાહેરાત કરી હતી કે તેઓ કાશ પટેલને FBI વડા બનાવશે.
આ પણ વાંચો: અમેરિકામાં ફ્લૂનો કહેર, એક વર્ષમાં 2.9 કરોડ કેસ નોંધાયા, 16000થી વધુના મોતથી હાહાકાર
સેનેટ ન્યાયતંત્ર સમિતિએ FBIના વડા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રિય કાશ પટેલને સમર્થન આપ્યું. સી-સ્પેન અનુસાર, યુએસ સેનેટે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે.
કોણ છે કાશ પટેલ?
મૂળ ગુજરાતી 44 વર્ષીય કાશ પટેલનો જન્મ 25મી ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા, અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં વસી ગયા હતા.